કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો
નવી દિલ્હી: મંગળવારે ફરી દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસના આંકડામાં ઉછાળો આવ્યો છે, દેશમાં પાછલા ૪ દિવસથી નવા કેસની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે, જેથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. મંગળવારે ૫,૫૦૦ કરતા વધારે એક્ટિવ કેસની સંખ્યા વધી છે. આ ૧ ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ દર્શાવે છે કે દેશમાં કોરોનાનું જોર ફરી વધી રહ્યું છે. એક્ટિવ કેસ ૧ ઓક્ટોબરથી ઘટી રહ્યા હતા. આ ઘટાડો ૧૪ નવેમ્બરે તુટ્યો હતો અને શનિવારે પણ તેમાં વધારો થયો હતો. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો કુલ આંકડો ૪,૪૭,૩૯૧ થઈ ગયો છે. રાજ્ય સરકારો પાસેથી મેળવેલા આંકડા પ્રમાણે મંગળવારે દેશમાં ૪૪,૧૮૮ નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા ૯૨,૨૨,૬૬૫ થઈ ગયો છે. જોકે, મૃત્યુઆંક બીજા દિવસે ૪૭૮ સાથે ૫૦૦ કરતા નીચો રહ્યો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૮૬,૪૦,૦૦૦ થાય છે,
જેની ટકાવારી ૯૩.૭% થાય છે. દેશના બાકી રાજ્યોની સરખામણીમાં દિલ્હીના કેસની સંખ્યા હજુ પણ ઊંચી આવી રહી છે. અહીં ૬,૨૨૪ નવા કેસ નોંધાયા છે અને ૧૦૯ દર્દીઓના મોત થયા છે. સતત નવમા દિવસે દિલ્હીના નવા કેસ દેશના બાકી રાજ્યો કરતા સૌથી વધુ છે અને મૃત્યુઆંક પણ ઊંચો છે. અગાઉના અઠવાડિયા કરતા પાછલા અઠવાડિયામાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.
રાજસ્થાનમાં ૩,૩૧૪ નવા કેસ મંગળવારે નોંધાયા છે, આ રાજ્યના અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ પહેલા રાજસ્થાનમાં સૌથી મોટો ઉછાળો બે દિવસ અગાઉ ૩,૨૬૦ કેસનો આવ્યો હતો. જે દર્શાવે છે કે ટુંકા સમયમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં મુખ્યત્વે ૮ જિલ્લાઓમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, જયપુરમાં સૌથી વધારે અસર થઈ છે.