કોરોનાના એક જ દિવસમાં ૪ લાખથી વધુ નવા કેસ

૧,૫૬,૮૪,૪૦૬ લોકો રિકવર પણ થયા છે, એક જ દિવસમાં ૩૫૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા
નવી દિલ્હી, દેશમાં કોરોના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પહેલીવાર એક જ દિવસમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે ૩૫૦૦થી વધુ મોત થયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાની ગતિ ખુબ વધારે જાેવા મળી. આ દરમિયાન સંક્રમણના દૈનિક કેસમાં રોકેટ ગતિથી વધારો થયો.
માત્ર સંક્રમણ જ નહીં એપ્રિલમાં તો મોતનો આંકડો પણ ખુબ ડરામણો જાેવા મળ્યો. આ મહિનામાં ૪૮,૭૬૮ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૦૧,૯૯૩ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૯૧,૬૪,૯૬૯ પર પહોંચ્યો છે.
જ્યારે ૧,૫૬,૮૪,૪૦૬ લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં ૩૫૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૨,૧૧,૮૫૩ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં ૩૨,૬૮,૭૧૦ લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં ૧૫,૪૯,૮૯,૬૩૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
શુક્રવારે ૪,૦૧,૯૯૩ નવા કેસ નોંધાયા. જે દૈનિક કેસ મામલે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે ૩૫૨૩ લોકોના મોત થયા. સંક્રમણની ઝડપની વાત કરીએ તો છેલ્લા ૧૦ દિવસમાં જ કોરોનાના દર્દીઓનો આંકડો દૈનિક ૩ લાકથી ૪ લાખ પર પહોંચી ગયો. ૨૧ એપ્રિલના રોજ ૩.૧૫ લાખ દર્દી મળ્યા હતા. ત્યારબાદ આ આંકડો સતત વધી રહ્યો છે.
વિશેષજ્ઞોનું માનીએ તો આવનારા દિવસોમાં આ ગતિ વધવાની આશંકા છે. દેશ માટે સૌથી ચિંતાની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી નેશનલ પોઝિટિવિટી રેટ ૨૧.૬ ટકા રહ્યો છે. જેનો અર્થ એ છે કે દરેક પાંચમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. જેનાથી આગામી કેટલાક દિવસોમાં દૈનિક સંક્રમિતોની સંખ્યા વધવાની આશંકા ઉત્પન્ન થઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે શુક્રવારે સમગ્ર દેશમાં થઈને કુલ ૧૯,૪૫,૨૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં ૨૮,૮૩,૩૭,૩૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. ગુજરાતમાં પણ દૈનિક કેસ વધી રહ્યા છે.
શુક્રવારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા ૧૪૬૦૫ કેસ નોંધાયા. જ્યારે ૧૭૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. અમદાવાદમાં સૌથી વધુ ૫૪૩૯ કેસ નોંધાયા. જ્યારે સુરતમાં ૨૦૧૧ નવા દર્દીઓ નોંધાયા.