કોરોનાના એક વર્ષ પછી WHOની ટીમ હકીકત જાણવા વુહાન જશે

નવી દિલ્હી: દુનિયાભરમાં ૭ કરોડથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવનારા કોરોના વાયરસની ઉત્પત્તિ સંબધિત તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે. ૧ વર્ષ પછી આ વૈશ્વિક મહામારીની તપાસ માટે ડબલ્યુએચઓની ટીમ વુહાન જઈ રહી હોવાથી ઘણા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા છે. લોકોને આશંકા છે કે, આ મુલાકાતનું કોઈ સાર્થક પરિણામ નીકળશે કે કેમ.
બીજી તરફ, ચીન પહેલેથી જ વુહાનમાંથી કોરોનાની ઉત્પત્તિની આશંકાઓને પાયાવિહોણી જણાવતું રહ્યું છે. ડબલ્યુએચઆના પ્રવક્તા હેડિન હેલ્ડર્સને જણાવ્યું કે, આ આંતરાષ્ટ્રીય મિશન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચીન જાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં આ ઘાતક વાયરસથી દુનિયાભરમાં ૧૬,૫૭,૦૬૨ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા ૭,૪૬,૧૩,૭૪૫એ પહોંચી ગઈ છે. તો પણ લોકોને ચોક્કસ જાણ નથી કે, કોરોના વાયરસનું સંક્રમણ ક્યાંથી ફેલાયું છે. ડબલ્યુએચઆ પર આરોપ લાગતા રહ્યા છે કે,
તે ચીનના ખોળામાં રમી રહ્યું છે. જણાવાઈ રહ્યું છે કે, જે ટીમ વુહાનની મુલાકાત લેશે, તેની પસંદગી પણ ચીન જ કરી રહ્યું છે. તેના માટે ડબલ્યુએચઓએ તજજ્ઞોની એક યાદી ચીનને સોંપી હતી, જેમાંથી એ લોકોના નામ સામેલ થશે, જે આ મામલાની તપાસ કરશે. સંયુક્ત રાષ્ટ્રના આ સંગઠનને હવે ચીનની મંજૂરી મળી ચૂકી છે. ડબલ્યુએચઓનો ર્નિણય લેનારા એકમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મે મહિનામાં પોતાના વાર્ષિક સંમેલનમાં વાયરસની ઉત્પત્તિની તપાસ કરવાનો પ્રસ્તાવ સર્વસંમત્તિથી પસાર કર્યો હતો. ચીને પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
આ એકમની અધ્યક્ષતા હાલમાં ભારત કરી રહ્યું છે. ડબલ્યુએચઓના બે સભ્યોની ટીમે ઓગસ્ટમાં ચીનનો પ્રવાસ કર્યો હતો અને કોવિડ-૧૯ના સ્ત્રોતને જાણવા સંબંધમાં ગ્રાઉન્ડ વર્ક પૂરું કર્યું હતું. રિપોર્ટ મુજબ, સોમવારની બેઠકમાં અમેરિકા, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓએ ડબલ્યુએચઓને કહ્યું કે, ટીમને મોકલવામાં આવે અને મિશન વિશે વધુ જાણકારી આપવામાં આવે. એવું પણ કહેવાયું કે, ડબલ્યુએચઓ સભ્ય દેશની મંજૂરી વિના કોઈ ટીમને મોકલી શકે નહીં. ડબલ્યુએચઓની તપાસ પહેલા જ ચીને દાવો કર્યો કે, વુહાનમાં કોવિડ-૧૯નો પહેલો મામલો આવવાનો અર્થ એ નથી કે, સંક્રમણની શરૂઆત ચીનના આ શહેરથી થઈ હતી.
હાલમાં ચીન સરકારના નિયંત્રણવાળી ઘણી મીડિયા સંસ્થાઓએ એવા અહેવાલ ચલાવ્યા છે કે, જેમાં કહેવાયું કે વિદેશથી આયાત કરાયેલી ખાદ્ય સામગ્રીના પેકેટ પર કોરોના વાયરસ મળ્યા. ચીને દાવો કર્યો હતો કે, ભારતથી આવેલી દરિયાઈ માછલીના પેકેટ પર પણ કોરોના વાયરસ મળ્યા. આરોપ લગાવાયો કે, વિદેશથી આવેલા આ પેકેટોના દ્વારા જ કદાચ વાયરસ ચીનમાં આવ્યો હશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, ચીનમાં સંક્રમણનો પહેલો મામલો આવ્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે કોરોના વાયરસની શરૂઆત ચીનથી થી. એટલે અમારું માનવું છે કે, વાયરસની શરૂઆત ક્યાંથી થઈ, તે એક જટિલ વૈજ્ઞાનિક મુદ્દો છે, જેના માટે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સહયોગ કરવો જાેઈએ. એવું કરીને આપણે ભવિષ્યમાં જાેખમોને ઓછા કરી શકીએ છીએ, કેમકે સંક્રમણના આરંભને શોધવાનું કામ જટિલ પ્રક્રિયા છે અને તેમાં ઘણા દેશો સામેલ હોવા જાેઈએ.