કોરોનાના કપરા કાળમાં ઝાલોદની મહિલાઓની પ્રેરણાદાયી પહેલ
અનલોકના સમયગાળા દરમિયાન કેન્ટિનની શરૂઆત કરીને આત્મનિર્ભર બનતી ખરોડ ગામની મહિલાઓ
મિશન મંગલમ યોજના અંતર્ગત લોન મેળવીને ઝાલોદની મહિલાઓ કેન્ટિન ચલાવીને મહિનાના ત્રીસ હજારથી વધુની આવક મેળવે છે
(આલેખન : મહેન્દ્ર પરમાર) દાહોદ જિલ્લાના નાનકડા ગામની સાહસિક મહિલાઓની આજે વાત કરવાની છે. ઝાલોદના ખરોડ ગામની આ મહિલાઓએ લોકડાઉન બાદ અનલોકના તબક્કામાં રાજય સરકારની સહાયથી એક કેન્ટિનની શરૂઆત કરીને આર્થિક સ્વનિર્ભરતા હાંસલ કરી છે. જયારે તેમની આગેવાની કરી રહેલા લીલાબેન નિનામાની વાત તો ખૂબ જ પ્રેરણાદાયી છે.
લીલાબેન ફક્ત ૨૯ વર્ષના છે. તેમના પતિ સચીનભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લીલાબેન ઘર પરિવારની જવાબદારી પણ સરસ રીતે નિભાવી રહ્યાં છે. તેમણે વિનયનમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કરીને હાલમાં તેઓ શિક્ષણમાં પારંગતની ડિગ્રી માટે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.
આ બધી જવાબદારીઓ નિભાવવા ઉપરાંત તેઓ મિશન મંગલમ યોજના હેઠળ સ્વસહાય જુથ છેલ્લા સાતેક વર્ષથી ચલાવી રહ્યાં છે. જય દશામા સખી મંડળના નામથી ખરોડ ગામની દસેક મહિલાઓનો સાથ લઇને તેમણે ત્રણેક મહિના અગાઉ જિલ્લા ઉદ્યોગ ભવન બહાર એક કેન્ટિનની શરૂઆત કરી છે. આ કેન્ટિનથી થઇ રહેલી આવકથી ખરોડ ગામની મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે.
લીલાબેન જણાવે છે કે, રાજય સરકારની મિશન મંગલમ યોજના હેઠળ અમારૂં સ્વસહાય જુથ છેલ્લા સાતેક વર્ષથી ચાલે છે. સરકારની યોજના અંતર્ગત અમને બેન્કમાંથી રૂ. ૩ લાખની લોન મળી, જેમાં સરકાર તરફથી પાંચ ટકા વ્યાજ સહાય મળી રહ્યું છે.
આ પૈસાથી અમે જય દશામાં સખી મંડળ કેન્ટિનની ત્રણેક મહિના પહેલા ઝાલોદ ખાતે આવેલા જિલ્લા ઉદ્યોગ ભવનની બહાર શરૂઆત કરી હતી. અમારા ગામની ૧૦ મહિલાઓ પણ આ મંડળમાં સામેલ છે અને રોજના બસો રૂ. ની હાજરી પ્રમાણે તેમને માસિક આવક મળે છે. કેન્ટિનની કુલ માસિક આવક ત્રીસ હજારથી પણ વધુની થાય છે. અમે ચા-નાસ્તો ઉપરાંત સાંજના એક સમયનું ભોજન પણ પુરૂ પાડીએ છીએ. સરકારે કરેલી લોન સહાયથી અમે આજે આર્થિક રીતે સ્વતંત્ર બન્યાં છીએ.
રાજય સરકારની મિશન મંગલમ યોજના ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક સશક્તિકરણનું માધ્યમ બની છે. સ્વસહાય જુથોની મદદથી મહિલાઓ સામાજિક રીતે સંગઠિત અને આર્થિક રીતે સ્વતંત્ર બની છે. દાહોદ જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ થઇ રહેલી કામગીરીથી મહિલાઓને વિકાસના નવા અવસર પ્રાપ્ત થયાં છે અને તેમની ક્ષમતાઓને નવી દિશા મળી છે. ખરોડ ગામની ઉદ્યમી મહિલાઓ સૌ કોઇ માટે પ્રેરણાદાયી બની છે.