કોરોનાના કહેર વચ્ચે સુરતમાં વેચાઈ રહ્યાં છે ‘હિરાજડિત માસ્ક’
સુરત: ભારત જ્યાં હાલના સમયે જીવલેણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે, ત્યાં કેટલાક એવા લોકો પણ છે. જે આવા કપરા સમયમાં પણ લક્ઝરી શોધી રહ્યાં છે. થોડા સમય પહેલા જ પૂનાના એક વ્યક્તિનો સોનાથી મઢેલા માસ્ક પહેરેલો હોવાના સમાચારે ચર્ચા જગાવી હતી, ત્યારે હવે સુરતમાંથી હિરાજડિત માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. આ માસ્કની કિંમત ૧.૫ લાખથી ૪ લાખ રૂપિયા સુધીની છે.
આ અંગે હિરાજડિત માસ્કનું વેચાણ કરતાં જ્વેલરી શાૅપના ઓનરનું કહેવું છે કે, “કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લાૅકડાઉન સમાપ્ત થયા બાદ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આથી અમે વિવિધ આકાર અને રંગવાળા માસ્ક હીરા જડીને અલગ પ્રકારના સ્ક તૈયાર કરાવ્યા. જે હાલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ યુનિક ડાયમંડ માસ્ક ખાસ કરીને લગ્ન પ્રસંગમાં વર-વધુ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આથી તેમના ઓર્ડર પ્રમાણે આ હીરાજડિત માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ડાયમંડની કિંમત પ્રમાણે માસ્કની કિંમત ૧.૫ લાખથી લઈને ૪ લાખ સુધીની હોય છે.”
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની એક મહિલાએ બ્લૂ-ટૂથ માસ્ક પણ બનાવ્યું છે. આ માસ્કના કારણે ફોન પર વાત કરવા માટે લોકોએ માસ્ક ઉતારવાની જરૂરત નહીં પડે. અવાર-નવાર ફોન બહાર ના નીકાળવો પડતો હોવાના કારણે તેને પણ વારંવાર સેનેટાઈઝ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.