કોરોનાના કારણે કોલકાતાથી અમદાવાદ સહિત આ 6 શહેરો માટે ફ્લાઇટ્સ બંધ
મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ જોતા પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાથી ઉડનાર દિલ્હી, મુંબઈ, પૂણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઇટ્સને તત્કાલ રદ કરી દીધી છે. સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે કોલકાતા એરપોર્ટથી ઉડનાર ઘરેલું ઉડાનો પર 6 થી 19 જુલાઈ વચ્ચે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બે સપ્તાહ માટે ઘરેલું ફ્લાઇટને સસ્પેન્ડ કરવા બંગાળ સરકારની વિનંતીને સ્વિકાર કરી લીધી છે. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે દિલ્હી, મુબંઈ, પૂણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદમાં કોરોના મહામારીના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં આ શહેરો માટે ફ્લાઇટ્સની અવર-જવર થાય તો કોલકાતામાં કોવિડ-19 ના કેસમાં વધારો થઈ શકે છે.