Western Times News

Gujarati News

કોરોનાના કારણે ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ બંધ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં ૧૧૭૫ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૧૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે ૧૧ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી ૪ દિવસ એટલે ૧૬થી ૧૯ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્‌યુલર મુજબ, ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. ૧૬ ઓક્ટોબરના કેસ લિસ્ટ ૨૦ ઓક્ટોબરથી લેવામાં આવશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબરથી ફિક્સ મેટર ૨૧ ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે.

જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો ૨૦ ઓક્ટોબરથી લેવાશે. આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્‌યુલરમાં એસીએસ હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.