કોરોનાના કેસોમાં ઇટાલી કરતાં પણ ભારત આગળ નીકળ્યું
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. બુધવારના રોજ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧.૧ લાખ ઉપર પહોંચી ગઇ છે. જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે ૪૫ હજાર કોરોના દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. જો દેશમાં કોરોના એક્ટિવ કેસોની વાત કરીએ તો આપણે ઇટાલી કરતા આગળ નીકળી ગયા છીએ. હવે દુનિયામાં માત્ર ૪ દેશ એવા છે જે કોરોના વાયરસના એક્ટિવ કેસમાં ભારત કરતા આગળ છે.
વર્લ્ડમેટર્સ વેબસાઇટના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ ૧,૧૧,૭૫૦ જોવા મળ્યાં હતા. ભારતમાં છેલ્લા અઠવાડિયાથી સતત રોજ ૫,૦૦૦ કેસ અંદાજે વધી રહ્યાં છે. વેબસાઇટ મુજબ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ ૬૨,૮૯૪ થઇ ગયા છે. એક દિવસ પહેલા આ ૫૯,૦૦૦ની આસપાસ હતા. ભારતમાં છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસના મામલામાં ઇટાલી અને પેરુને પાછળ છોડી દીધું છે. ઇટાલીમાં ૬૨,૭૫૨ અને પેરુમાં ૬૦,૦૪૫ એક્ટિવ કેસ છે.દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા-૧૧૨૩૫૯, દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા-૬૩૬૨૪,દેશમાં સાજા થયેલા દર્દીની સંખ્યા-૪૫૨૯૯, દેશમાં થયેલા કુલ મોત – ૩૪૩૫,એક્ટિવ કેસમાં ભારતનો નંબર પાંચમો છે
ભારતમાં હવે કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રોજના એક લાખથી પણ વધારે ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ સુધીમાં અહીં ૨૬ લાખથી પણ વધારે ટેસ્ટ થઈ રહ્યા છે. ભારત ટેસ્ટિંગ મામલે દુનિયામાં સાતમા નંબરે છે. હવે અમેરિકા એક કરોડથી વધારે ટેસ્ટની સાથે પહેલા નંબરે છે. ૩૦ એપ્રિલે દેશમાં કુલ ટેસ્ટની સંખ્યા ૮ લાખને પાર હતી. મે મહિનામાં ટેસ્ટિંગને વધારવામાં આવ્યું હતું.
કુલ કેસોની વાત કરીએ તો ઇટાલીમાં ૨.૨૭ લાખ અને પેરુમાં ૯૯,૪૫૦ કોવિડ-૧૯ના દર્દી છે. ઇટાલીમાં આ વાયરસના કારણે ૩૨,૩૩૦ લોકોના જીવ ગયા છે. જો કે હવે તેનો કહેર ઓછો જોવા મળી રહ્યો છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં ૧,૩૨,૨૮૨ લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ચૂક્યાં છે. પેરુમાં ૨૯૧૪ લોકોના જીવ ગયા છે જ્યારે અંદાજે ૩૬ હજાર લોકો સ્વસ્થ થઇ ગયા છે. ભારતમાં કોરોનાથી ૩,૪૦૦ લોકોના જીવ ગયા છે.
દુનિયામાં એક્ટિવ કેસોની વાત કરીએ તો અમેરિકાની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. અમેરિકામાં કુલ ૧૫.૭૮ લાખ લોકો કોરોના સંક્રમણમાં આવ્યાં છે. જેમાં ૧૧.૧૯ લાખ હજુ પણ એક્ટિવ કેસમાં છે. અંદાજે ૩.૬૫ લાખ લોકો સ્વસ્થ થઇ ગયા છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં અંદાજે ૯૪,૦૦૦ લોકોના મોત થયા છે.