કોરોનાના કેસો વધતા સફાળી જાગેલી સરકારે દંડની રકમ વધારી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસો વધતા ચિંતિત થયેલ સરકારે દંડની રકમ વધારી દીધી છે અને રૂ.પ૦૦ કરી નાંખી છે. કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા અને નાગરિકો કાયદાને સન્માન આપે તે હેતુથી દંડની રકમ રૂ.ર૦૦થી વધારીને રૂ.પ૦૦ કરાઈ છે. ૧લી ઓગષ્ટથી રાજયભરમાં સમાનદરે તેનો અમલ કરાશે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજયમાં કોરોનાના સંક્રમણનો આંકડો ૧૦૦૦ને પાર કરી જતા રાજય સરકાર ચોંકી ઉઠી હતી. સુરત, અમદાવાદ, વડોદરા તથા રાજકોટ પછી કોરોનાએ વેગ પકડયો હોય તેમ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યુ હતુુ.
અનલોકમાં બે બાબતો સરકારના ધ્યાન પર આવી હતી તેમાં નાગરિકો માસ્ક નહિ પહેરતા હોવાની વાત મુખ્ય હતી તો સોશિયલ ડીસ્ટન્સીંગના અભાવની બાબત હતી માસ્ક નહિ પહેરવાથી કોરોનાના પ્રસારની સંભાવના અનેક ગણી વધી જાય છે તેમ નિષ્ણાંતોએ પહેલેથી જ જણાવ્યુ હતુ તેમ છતાં નાગરિકો નિયમોની ઐસીતૈસી કરીને પોલીસ તથા અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરતા હતા તો સામે પક્ષે દંડની રકમને લઈને દ્વિધાભરી સ્થિતિ સર્જાઈ હતી. અલગ-અલગ દંડને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નારાજગી બતાવી હતી.
કોરોના સંક્રમણને વધતુ અટકાવવા તથા નાગરિકો માસ્ક પહેરે તે માટે રાજયભરમાં દંડ એક સમાન દરે વસુલાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતત બેઠકો યોજી હતી. અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ત્યારબાદ દંડની રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.