કોરોનાના કેસ ઘટ્યા બાદ પણ ૬૭ ખાનગી હોસ્પીટલો સાથે કરાર યથાવત
ખાનગી હોસ્પીટલોને ખાલી બેડ માટે દૈનિક રૂા.ર૧ લાખ ચુકવાય છે- SVPમાં ૧પ૦ અને સિવિલ હોસ્પિટલમાં ર૦૦ કરતા વધુ બેડ ઉપલબ્ધ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તથા નવા કેસની સંખ્યા પ૦ કરતા પણ ઓછી થઈ ગઈ છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને ૬૭ ખાનગી હોસ્પીટલોમાં ર૩૦૦ કરતા વધુ બેડ રિઝર્વ રાખ્યા છે. જેના ભાડાપેટે દૈનિક લાખ્ખો રૂપિયા ચુકવવામાં આવી ર હ્યા છે. મ્યુનિસિપલ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોના કેસમાં વધારો નહીં થાય તો હોસ્પીટલોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
સ્માર્ટસીટીમાં એપ્રિલ અને મે ર૦ર૦ માં કોરોના કેસમાં અસામાન્ય વધારો થયો હતો. તથા દર્દીઓને સારવાર માટે હાલાકી થતી હતી. તેથી મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી હોસ્પીટલો સાથે કરાર કર્યા હતા. આ તમામ ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓને વિનામૂલ્યેે સારવાર આપવામાં આવી છે. જેનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુકવાય છે.
શહેરમાં ડીસેમ્બર મહિનાના અંત સુધી ર૪૦૦ જેેટલા એક્ટીવ કેસ હતા તથા દૈનિક ૧૬૦થી ૧૮૦ જેટલા પેન્ડીંગ કેસ કન્ફર્મ થઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા વીસ દિવસથી કોરોનાના એક્ટીવ કેસ અને નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. તેમ છતાં તંત્ર દ્વરા ખાનગી હોસ્પીટલોની કે બેડની સંખ્યામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
શહેરમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન ર૭૯ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૬૭૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. તેમજ એક્ટીવ કેસની સંખ્યા માત્ર રપ૧ જ છે. તેમ છતાં ર૩૦૦ કરતા વધુ બેડના ભાડા ચુકવવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડના ખાલી બેડના દૈનિક રૂા.૬પ૦, એલડીયુમાં રૂા.૯પ૦, વેન્ટીલેટર વગરના આઈસીયુના રૂા.૧૩૦૦તથા વેન્ટીલેટર સાથેના આઈસીયુ વોર્ડ માટે દૈનિક રૂા.૧૬૦૦ ભાડુ ચુકવવામાં આવી રહ્યુછે.
નોંધનીય બાબત એ છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે એસ.વી.પી.માં ૧પ૦ અને સિવિલમાં ર૦૦ કરતા વધુ બેડ ઉપલબ્ધ છે. તેમ છતાં ખાનગી હોસ્પીટલો સાથે કરાર રદ કરવામાં આવ્યા નથી.
ખાનગી હોસ્પીટલોમાં ૯ ફેબ્રુઆરીની સ્થિતિએ માત્ર ૯૬ બેડ ભરેલા હતા જ્યારે રર૩૪ બેડ ખાલી હતા. જેના ભાડા પેટેે દૈનિક રૂા.ર૧ લાખ મનપા દ્વારા ચુકવવામાં આવે છે. જેમાં વોર્ડના ૯૭૭ ખાલી બેડ માટે રૂા.૬.૩પ લાખ, એલ.ડી.યુના ૭૩ર ખાલી બેડ માટે રૂા.૬.૯પ લાખ, વેન્ટીલેટર વિના આઈસીયુ વોર્ડમાં ૩પપ બેડ ખાલી છે. જે પેટે રૂા.૪.૬૧ લાખ તથા વેન્ટીલેટર સુવિધા સાથેના વોર્ડના ૧૭૦ ખાલી પથારી માટે રૂા.ર.૭ર લાખનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પીટલો દ્વારા કરાર રદ કરવા માટે અરજીઓ મળી રહી છે. પરંતુ હાલ ઠંડીની સિઝન હોવાથી સલામતીને ધ્યાનમાં રાખીને હોસ્પીટલો સાથે કરાર યથાવત રાખવામાં આવ્યા છે. માર્ચ મહિનાથી ગરમી શરૂ થયા બાદ હોસ્પીટલોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે તેમ તેમણેે વધુમાં જણાવ્યુ હતુ.