Western Times News

Gujarati News

કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૪૪૩ નવા પોઝિટિવ કેસો

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧૮ દિવસ બાદ સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રિકવરી રેટમાં પણ સુધારો નોંધાતા તે ૯૭.૨૮ ટકા થઈ ગયો છે. ભારતમાં ૧૦૯ દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા થયા છે જેની આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશે બેકલોગ મૃત્યુનો આંકડો ૧૪૭૮ જાહેર કર્યો છે. જેના કારણે ૨૪ કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ૧૬ ટકા જેટલો વધારો નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૪૪૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૦૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૯,૦૭,૨૮૨ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૭,૭૩,૫૨,૫૦૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૧૨,૩૫,૨૮૭ લોકોને રસી આપવામાં આવી છે.

આ ઉપરાંત, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૬૩ હજાર ૭૨૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૯,૦૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૩૧,૩૧૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૦,૭૮૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૩,૪૦,૫૮,૧૩૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૪૦,૩૨૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૨ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬૨ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.