કોરોનાના ડરથી ગુજરાતના અનેક મંદિરોના દરવાજા ભક્તો માટે બંધ કરાયા
અમદાવાદ: અનલોક ૧માં ૮ જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર બન્યા હતા. કેટલાક મંદિરના દરવાજા ૮મીએ ખૂલ્યા હતા, તો કેટલાક મંદિર તકેદારીના ભાગરૂપે બાદમા ખૂલ્યા હતા. પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે.
કોરોનાનો કહેર હવે મંદિર સુધી પહોંચી ગયો છે. મંદિરના સંતો અને પૂજારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે બોટાદમાં સાળગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દરવાજા આજથી હરિભક્તો માટે બંધ કરાયા છે. હરિભક્તોને હવે મંદિરમાં દર્શન માટે પ્રવેશ નહિ આપવામાં આવે. વધતા જતા કોરોના વાયરસના કેસોને પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રહેશે. ત્યારે હરિભક્તો મંદિરના ઓનલાઇન જ દર્શન કરી શકશે.