કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના ૭ કેસ નોંધાયા હોવાનો મેસેજ વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ
અમદાવાદ: કોરોના મહામારીની બીજી લહેરે દેશને અનેક ઝટકા આપ્યા છે. આ લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે દેશમાં કહેર મચાવી દીધો હતો. ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસ સૌથી ઘાતક છે અને જલદી તેના પર કાબુ નહીં કરવામાં આવે તો તબાહી મચાવી શકે છે.
ત્યારે અમદાવાદના આંબલી વિસ્તારમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના ૭ કેસ નોંધાયા હોવાનો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મેસેજને લઇને થલતેજના કોર્પોરેટર સમીર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારા નામનો દુરઉપયોગ કરી મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. આ મારા રાજકીય વિરોધીઓનો પ્રયાસ છે. આ મામલે મેં મારી પાર્ટીમાં પણ વાત કરી છે, હું આગળ કોઇ પગલાં લેવા માંગતો નથી એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનાં આંબલી વિસ્તારમાં કોરોનાનાં નવા ડેલ્ટા વેરિયન્ટનાં સાત કેસ નોંધાયા છે તેથી ટોળા એકઠા નહીં કરવા અને ભીડભાડવાળી જગ્યાઓએ નહીં જવા વિનંતી કરવામાં આવે છે તેવા મેસેજ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા અને તેમાં ગુજરાતી ભાષાનાં મેસેજમાં થલતેજનાં કોર્પોરેટર સમીરભાઇ પટેલનુ નામ પણ જાેવા મળ્યુ હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩૮,૧૬૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૩,૧૧,૪૪,૨૨૯ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં ૪,૨૧,૬૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૩૮,૬૬૦ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૩,૦૮,૪૫૬ થઈ છે.
સરકારી આંકડા મુજબ દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૯૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુની સંખ્યા ૪,૧૪,૧૦૮ થઈ છે. કોરોના સામેની લડતમાં રસી એક મહત્વનું હથિયાર છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૪૦,૬૪,૮૧,૪૯૩ રસીના ડોઝ અપાયા છે.