કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને ૩૦ હજારની નીચે ગઈ

નવીદિલ્હી, દેશમાં કોરોનાની રફતાર ઘટી રહી છે. ગત મહિને જ્યાં લાખોની સંખ્યામાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા હતા ત્યાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને ૩૦ હજારની નીચે ગઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૭ હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે ૮૨,૮૧૭ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭,૪૦૯ કેસ નોંધાયા છે. જ્યારે ૮૨,૮૧૭ દર્દીઓ રિકવર થયા છે. હાલ દેશમાં ૪,૨૩,૧૨૭ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૪,૧૭,૬૦,૪૫૮ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે જાેતા કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાના સંકેત છે. જે રાહતના સમાચાર છે.
કોરોનાના કારણે એક દિવસમાં ૩૪૭ લોકોના જીવ ગયા છે. દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૨૩ ટકા છે. ૬ જાન્યુઆરી બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાને નાથવા માટે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૭૩.૪૨ કરોડ કોરોના ડોઝ અપાઈ ચૂક્યા છે.HS