કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો
નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૪ હજાર કેસ નોંધાયા છે. જ્યારે ૫૫૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં નવા ૩૯,૭૯૬ કેસ નોંધાયા હતા અને ૭૨૩ દર્દીઓના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૪,૭૦૩ દર્દીઓ નોંધાયા છે. ૧૧૧ દિવસ બાદ આટલા ઓછા કેસ નોંધાયા છે.
આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૩,૦૬,૧૯,૯૩૨ થયો છે. એક દિવસમાં ૫૧,૮૬૪ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૯૭,૫૨,૨૯૪ દર્દીઓ રિકવર થયા છે. જ્યારે ૪,૬૪,૩૫૭ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૫૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૦૩,૨૮૧ પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સામેની લડતમાં સૌથી મહત્વનું હથિયાર રસી છે. હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજાેશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં રસીના ૩૫,૭૫,૫૩,૬૧૨ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં રિકવરી રેટ ૯૭.૧૭% પર પહોંચ્યો છે.