કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ચીનની રાજધાનીમાં આંશિક લોકડાઉન
બિજિંગ, ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો.એ પછી ચીને કોરોના પર કાબૂ કરવામાં સફળતા મેળવી હતી.આમ છતા હજી પણ કોરોનાના કેસ સમયાંતરે સામે આવી રહ્યા હોવાથી ચીનની સરકાર પરેશાન છે.
મળતી વિગતો પ્રમાણે કોરોનાના કેટલાક નવા કેસ સામે આવ્યા બાદ ચીનની રાજધાની બિજિંગમાં પાંચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાયુ છે.16 લાખ લોકોને બિજિંગ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.સરકારે બિજિંગની સબ વે ટ્રેન સુવિધા બંધ કરી દીધી છે.
અધિકારીઓનુ કહેવુ છે કે, 10 ડિસેમ્બર પછી જેઓ પણ બિજિંગમાં આવ્યા છે તે તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં મંગળવારે કોરોનાના 118 નવા કેસ સામે આવ્યા હતા.જ્યારે આજે 103 કેસ નોંધાયા છે.આ પૈકીના 7 કેસ બિજિંગમાં છે.જે વિસ્તારમાં આ કેસ સામે આવ્યા છે ત્યાંના લોકો પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.ઉપરાંત આ વિસ્તારોમાં 50 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે.લગ્ન સમારોહ સ્થગિત કરવાનો આદેશ અપાયો છે.