કોરોનાના નામે અનેક કંપનીઓ તરી ગઈ : અમેરિકાની કંપનીઓએ ૭પ,૦૦૦ કરોડ બનાવી લીધા
વેક્સિનના નામે કમાણીના ખેલ : ભારતમાં સેનેટાઈઝર- માસ્કનું કરોડો રૂપિયાનું વેચાણ
(પ્રતિનિધી) નવી દિલ્હી, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો કોરોનાના પોઝીટીવ શિકાર થયા છે તો સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના લાઈલાજ છે તેથી તેના ઈલાજ માટે વેકસીન બનાવવા વિશ્વભરમાં હોડ લાગી છે. ભારતીય કંપનીઓ પણ મેદાનમાં છે. દરેક દેશ દાવો કરી રહયા છે કે કોરોનાની વેકિસનનો ટ્રાયલ ચાલી રહયો છે.
અમુક દેશોએ તો કોરોનાની વેક્સિનનો ટ્રાયલ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યુ છે. વેકસીન બનશે તો બનાવનાર કંપનીનું તો નસીબ ખુલી જશે. પરંતુ તે સિવાય મોટી-મોટી દવા ઉત્પાદક કંપનીઓ અન્ય રસ્તે અબજાે રૂપિયા કમાવવા લાગ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે અમેરિકા સહિતના દેશોમાં તો અમુક કંપનીઓ વેકિસન ટ્રાયલમાં ખૂબ જ આગળ વધી ગઈ હોય તેવા દાવા કરીને અબજાે ડોલર બનાવી લીધા છે.
આ બધી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે કંપનીઓના પ્રમોટર અને અધિકારીઓ શેરબજારમાં ઈનસાઈડ ટ્રેડીંગ કરે છે અને તેઓ પોતાની કંપની વેકસીનમાં ચોક્કસ તબક્કે પહોંચી ગઈ છે તેવુ જાહેર કરતા શેરોના લે-વેચમાં ફકત અમેરિકામાં જ અંદાજે ૭પ હજાર કરોડ રૂપિયાની કમાણી કંપનીઓએ કરી લીધી છે જાેકે આ અંગે તપાસ પણ શરૂ થઈ ગઈ છે.
સમજવા જેવી વાત એ છે કે કોરોના નામનો વાયરસ છે તે હકીકત છે તેનાથી અનેક લોકોના મૃત્યુ થયા છે પરંતુ કોરોનાના નામે શેરબજારમાં મોટી-મોટી દવાની કંપનીઓ કરોડો- અબજાે રૂપિયાની ઉથલ પાથલ કરી નાંખે છે. કોરોનાની વેકસીન શોધાશે ત્યારની વાત અલગ છે પરંતુ તે પહેલા પોતાની કંપનીએ વેક્સીન બનાવી લીધી છે અને અંતિમ તબક્કામાં તેના ટ્રાયલની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેવુ કહીને શેરબજારમાં કરોડો- અબજાે રૂપિયાની કમાણી ઉભી કરવામાં આવે છે.
તમે વિચારો કે ભારતમાં કોરોનાને આવે લગભગ ચાર મહિના થવા આવ્યા છે. આ સમયગાળા દરમિયાન સેનેટાઈઝર, માસ્ક તથા કોરોનાને લગતી (લક્ષણ) ધરાવતી દવાઓનું કેટલુ વેચાણ થયુ હશે ?? દવાની વાત જવા દઈએ પરંતુ સેનેટાઈઝર, માસ્કની વાત કરીએ તો કરોડો રૂપિયાનું દવાઓની કંપનીઓએ વેચાણ કર્યુ હશે.
વળી જાણીતી કંપનીઓના સેનેટાઈઝર મળવા મુશ્કેલ છે. રાતોરાત સેનેટાઈઝર બનાવતી કંપનીઓ આવી ગઈ, સેનેટાઈઝીંગ કરવાવાળા ફૂટી નીકળ્યા, લોકડાઉનમાં લોકો ઘરોમાં હતા ત્યારે રસ્તાઓ ઉપર ટેન્કરોના ટેંકરો સેનેટાઈઝનો છંટકાવ કરાયો ?? કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા આ પગલા જરૂરી હતા પરંતુ તેનો આર્થિક લાભ ઉત્પાદન કરતી કંપનીઓને થયો છે. અહીંયા કહેવાનો એ મતલબ નથી કે કોરોના નથી કે બધુ ખોટુ થયુ છે પરંતુ કોરોનાને હવે કમાણીનું સાધન બનાવાઈ દેવાયુ છે. વડાપ્રધાને તો મોં એ માત્ર રૂમાલ કે ગમછો બાંધવાનું કીધુ હતુ ?
તેમ છતાં નાગરિકોએ કરોડો રૂપિયાના માસ્ક ખરીદયા તેવી જ રીતે હાથ સાબુથી ધોવાની જગ્યાએ અબજાે રૂપિયાના સેનેટાઈઝરનું વેચાણ થયુ હજુ પણ થઈ રહયુ છે. સેનેટાઈઝર મળવુ મુશ્કેલ થતા અને કાળાબજાર થતા નવા કાયદા અમલમાં મૂકવા પડયા હતા હવે કોરોનાની સારવાર અને તેના ખાનગી ટેસ્ટીંગને લઈને ધીખતી કમાણી કરાઈ રહી છે.
રાજય સરકારે લાલ આંખ કરી છે છતાં ખાનગી હોસ્પિટલો પોતે નકકી કરે તે મુજબ જ કોરોનાના સારવારના બિલ પકડાવી દે છે કોરોના જાણે કે કમાણીનું એક સાધન થઈ ગયુ છે. દવાઓ બનાવતી કંપનીઓને જાણે કે ઘી- કેળા થઈ ગયા છે. લોકો ડર ના માર્યા સાવચેતીના ભાગરૂપે કોરોનાના લક્ષણો ન દેખાય તે માટે એડવાન્સ દવાઓ લઈ રહયા છે. કોરોનાને કારણે વિશ્વમાં અનેક કંપનીઓ તરી ગઈ છે તેવુ કહેવુ જરાય અતિશયોક્તીભર્યુ નથી.