કોરોનાના નિયંત્રણો તથા નવી ફિલ્મો અટકતા મલ્ટીપ્લેક્સમાં પ્રેક્ષકો ઘટ્યા
પાછલા ૧૮ મહિનામાં મલ્ટીપ્લેક્સ માત્ર ત્રણથી ચાર મહિના ચાલ્યા: આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી સ્થિતિ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં ફરીથી કોરોના કેસ વધતા અને નવી ફિલ્મોની રજૂઆત અટકતા “મલ્ટીપ્લેક્સ” ના માલિકોને વ્યાપક નુકસાનની સ્થિતિનું નિર્માણ થઈ રહયુ છે. કોરોના કાળમાં છેલ્લા ૧૮ મહિનામાં માત્ર ૩ થી ૪ મહિના જ મલ્ટીપ્લેક્સ ચાલ્યા છે અને તે પણ જૂની ફિલ્મો સાથે.
હવે પુનઃ એ દિશા તરફ વાતાવરણ જઈ રહયુ છે ત્યારે મલ્ટીપ્લેક્સના માલિકો આ અંગે શું વિચારે છે તે બાબતે પૂછતા પોતાના મંતવ્યો વ્યકત કરતા વાઈડ એંગલના રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે મલ્ટીપ્લેક્સમાં જે આવેલા છે તે જ પિક્ચરો ચાલી રહયા છે નવી ફિલ્મોની રજૂઆતો અટકી ગઈ છે તો બીજી તરફ કરફ્યુના સમયગાળામાં વધારો થતા રાત્રીના શો રદ્દ કરી દેવામાં આવ્યા છે છેલ્લા ૧પ થી ૧૮ મહિનામાં મલ્ટીપ્લેક્સ માત્ર ૩ થી ૪ મહિના જ ચાલ્યા છે તેમાં પણ જૂની ફિલ્મો હતી તેથી પ્રેક્ષકો ખૂબ જ ઓછા આવતા હતા.
કોરોનાની સ્થિતિના લીધે મલ્ટીપ્લેક્સોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે સામે પક્ષે જે સ્ટાફ હોય છે તેમને નિયમિતરૂપે પગારની ચૂકવણી થાય છે. વાઈડ એંગલ સાથે સંકળાયેલ સમગ્ર સ્ટાફનો પગાર નિયમિત થાય છે જેનો ખર્ચ મહિને – દાડે પાંચથી છ લાખની આસપાસ આવતો હોય છે વાઈડ એંગલ તેના માનવતાના ધર્મને ચૂકયુ નથી. કપરાકાળમાં અમે અમારા કર્મચારીઓની સાથે છીએ તેમ તેમણે ઉમેર્યુ હતું.
“વેસ્ટર્ન ટાઈમ્સ” સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે રાજય સરકાર તરફથી મલ્ટીપ્લેક્સોને જે રાહત આપી હતી તેનો સમય માર્ચમાં પૂરો થઈ રહયો છે ત્યારે આ રાહત યથાવત રહેવાની સાથે અન્ય પ્રકારની રાહત મળે તેવી આશા વ્યકત થઈ રહી છે મલ્ટીપ્લેક્સોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. કોરોના કાળમાં દરેકને વધત્તે ઓછે અંશે આર્થિક નુકસાની વેઠવી પડી છે પરંતુ તેમાં મલ્ટીપ્લેક્સોને થયેલી રાહત કમસેકમ યથાવત રહેવી જાેઈએ તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.