કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે રહેલા ૭૭ જેટલાં સ્નેહી- સગાસંબંધીઓ માટે પણ જમવા સાથે રહેવાની વ્યવસ્થા
હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીઓને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા
આરામદાયક ગાદલાં- ઓશિકા સાથે ચેનલ સાથેના ટી.વી.ની મનોરંજનની પણ વ્યવસ્થા ઉભી કરાઇ
ડોમ એ ફક્ત રહેવાનું સ્થળ ન રહેતા સાચા અર્થમાં માનવતાનું મંદિર, લાગણીશીલતાનું પરિચાયક અને સામાજિક એકતા અને સૌહાર્દ માટેનું માધ્યમ બન્યું
કોરોનાના સંક્રમણે રાજ્યનો એમાંય ખાસ કરીને અમદાવાદનો ભરડો લીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદના અસારવા ખાતે આવેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે જ અલાયદી ફાળવીને સારવારની સગવડ ઉભી કરી છે.
આ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી પોઝિટિવ દર્દીઓને લાવવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની અધ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્દીઓ આવે તેની સાથે તેમની સાથે તેમના સગા- વ્હાલા અને સંબંધિઓ પણ અહીં આવતા હોય છે.
આ સ્થિતિને પારખીને કોરોના હોસ્પિટલની નજીક જ એક વિશાળ ડોમ બાંધીને કોરોનાના દર્દીઓના સગાઓને રહેવાની સગવડ અગાઉથી જ ઉભી કરી દેવામાં આવી છે. કોરોના માટે આ હોસ્પિટલને સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી તે પહેલા જ પરિસ્થિતિને અગાઉથી પારખીને સિવિલ કેમ્પસમાં ૭ મી માર્ચના રોજ એટલે કે દોઢ મહિના પહેલા જ દર્દીઓના સગાઓને રહેવા માટેની સગવડ સિવિલ તંત્ર દ્વારા ઉભી કરી દેવામાં આવી છે.
સિવિલ કેમ્પસમાં જ્યારે ડી- ૯ વોર્ડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી તે વખતે જ આ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી હતી કે જેથી જૂની સિવિલ હોસ્પિટલમાં બિનજરૂરી ભીડ ન થાય.
આ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા કોરોનાના દર્દીઓની આ રોગના ગંભીર લક્ષણોને કારણે સારવારમાં વાર લાગે છે એવામાં સિવિલ તંત્ર દ્વારા આ સગવડ ઉભી કરવામાં ન આવે તો દર્દીઓના સગા લોકડાઉનને કારણે ક્યાં જાય? વળી, માની લો કે એ અગાઉ લોકડાઉન નહોતું તેવા સમયે પણ બહાર રહેવા તથા જમવાનું કેટલું મોંઘુ પડી જાય ???
આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાબડતોબ કોવિડ હોસ્પિટલની બાજુમાં જ મોટો ડોમ બનાવીને દર્દીઓના સગા- વ્હાલા ૨૪ કલાક રહી તેવી સગવડ ઉભી કરવામાં આવી છે. આ ડોમની અંદર જ રહેવાની, જમવાની અને તેમને કંટાળો ન આવે તે માટે ચેનલ સાથેના એલ.ઇ.ડી. લગાવીને મનોરંજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હોટલમાં જેમ જમવાનું મળે છે તે રીતે દર્દીઓના સગાઓને જમવાનું મળે છે તે રીતે આ હોટલ છે. મોટલમાં જે રીતે નાસ્તો મળે છે તે રીતે અહીંયા સવારે નાસ્તો મળે છે તેથી આ મોટલ છે અને ઘરે જે રીતે આરામથી રહીએ તે રીતે ૨૪ કલાક રહેવાની અને મનોરંજનની સગવડ છે તે રીતે આ ઘર પણ છે. આમ, આ ડોમમાં જ હોટેલ, મોટેલ અને ઘર એમ ત્રણેય પ્રકારની સગવડ મળે છે. આ ઉપરાંત દિવસ દરમિયાન અનુકૂળતાએ બે વખત ચા પણ પીવડાવવામાં આવે છે તેમ જમાલપુરથી આવેલા અયુબભાઇ છીપા કહે છે.
શ્રીનાથજી ટ્રસ્ટના સહયોગથી આ ડોમ ખાતે સવારે ચા- નાસ્તો, બપોરે ભોજન અને સાંજે જમવાનું પૂરું પાડવામાં આવે છે. હાલમાં આ ડોમ ખાતે ૭૭ લોકો આશ્રય સાથે જમવાની સગવડ પણ મેળવી રહ્યા છે.
અત્યારે રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ ડોમમાં આશ્રય મેળવી રહેલાં ૩૫ લોકોને વહેલી સવારે ૩-૦૦ વાગ્યે અને સાંજના રોજા છોડાવવા માટે કોરોનાના દર્દીઓને જે ખાવા- પીવાનું આપવામાં આવે છે તે જ આ મુસ્લિમ બિરાદરોને આપવામાં આવે છે.
દર્દીઓના સગાઓને રહેવા માટે આરામદાયક ગાદલાં- ઓશિકા, સિલિંગ ફેન, ટેબલ ફેન, ૨૪ કલાક પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય પણ જો કોઇ સુવિધા માટે જણાવવામાં આવે તો તે અંગેની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવે છે તેમ ૧૫ દિવસથી અહીં રોકાયેલા ગુલામ મહોમ્મદ કહે છે.
તદઉપરાંત તબીબી જાતે આવીને અહીં રોકાયેલા દર્દીઓનું ચેક-અપ કરે છે અને જરૂર જણાય તેને માટે દવા તથા સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે, તેમ પોતાની ભાણીને દાખલ કરેલ હોવાથી રોકાયેલા મેમણ મુસ્તફા કહે છે.
આ ડોમમાં છેલ્લા ૯ દિવસથી આશ્રય મેળવી રહેલા મીનાબેન પરમાર કહે છે કે, મારી દીકરીને કોરોના પોઝિટિવ આવતાં અહીં દાખલ કરેલી છે.
જેથી હું અહીં છેલ્લા ૯ દિવસથી રોકાઇ છું. મારી દિકરીની તબિયત સુધારા પર છે તે અહીંના ડોક્ટરોની કાળજીને લીધે શક્ય બન્યું છે. હું મહિલા હોવા છતાં અહીં શાંતિથી રહી શકું છું કારણ કે બહાર સિક્યુરિટીની સગવડ છે તદઉપરાંત મને જે જોઇએ તે તમામ વસ્તુઓ અહીં જ મળી જાય છે. સરકારે મારા જેવા લોકો માટે જે વ્યવસ્થા ઉભી કરી છે તે માટે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ ગળગળા સ્વરે જણાવે છે.
આ ડોમમાં તમે જો મુલાકાત લો તો તમને લાગે નહીં કે તમે કોરોનાના દર્દીના સગાઓને મળી રહ્યા છો. બધા અહીં બિન્દાસ્ત આરામ કરતાં જોવા મળે છે. હોસ્પિટલ તંત્રની સગવડ અને આરોગ્ય સેવા પ્રત્યેનો ભરોસો તમને તેમના ચહેરા પર અચૂક વાંચવા મળે. આ ઉપરાંત અહીં ખુરશીઓની પણ સગવડ કરવામાં આવી છે કે જેથી દિવસે થોડો સમય બેસવું હોય તો બેસી શકાય.
આ ઉપરાંત ડોમ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે દર્દીઓના સગાઓના બેડ વચ્ચે ઓછામાં ઓછું ૩ ફુટનું અંતર જળવાય તેની પણ ખાસ કાળજી લેવામાં આવી છે. આમ, આ ડોમમાં આશ્રય મેળવી રહેલા દર્દીઓના સગાઓ તેમના ઘર જેવી બલકે તેનાથી પણ સારી સગવડ વચ્ચે રહી રહ્યા છે. કોરોનાના કારણે જ આ લોકો અહીં ભેગા થયા હોઇ નાત, જાત, કોમના ભેદભાવ ભૂલી પોતે કોરોનાના સંક્રમણને કારણે અહીં છે તેમ માનીને એકબીજાને સધિયારો આપી એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની રહ્યા છે.
સારા થઇને જઇ રહેલા દર્દી તથા તેમના સગા વચ્ચે અનાયાસે પણ ઘર જેવા સંબંધો બની ગયા હોય દર્દીની વિદાય વેળાએ ડોમમાં રહેલા લોકોની પણ આંખો ભીની થયા વગર રહેતી નથી. એ રીતે આ ડોમ એ ફક્ત રહેવાનું સ્થળ ન રહેતા સાચા અર્થમાં માનવતાનું મંદિર, લાગણીશીલતાનું પરિચાયક અને સામાજિક એકતા અને સૌહાર્દ માટેનું માધ્યમ બની રહ્યું છે.