કોરોનાના ફરીથી વધતા કેસોએ વધાર્યુ ચીનનુ ટેન્શન
બીજિંગ, ચીનમાં કોરોના વાયરસનો ડર વધતો જઈ રહ્યો છે. સંક્રમણના નવા કેસ સામે આવ્યા બાદ ગુઆંગઝોઉને પણ લોક કરી દેવાયુ છે. વહીવટીતંત્રએ સોમવારે જણાવ્યુ કે શહેરને હાલ વિઝિટર્સ માટે બંધ કરાયુ છે. શાંઘાઈમાં પણ વધતા કેસ સરકારની ચિંતાનુ કારણ બની ગયા છે.
શાંઘાઈ શહેરમાં અત્યાર સુધી સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. સોમવારે અહીં 26,087 કેસ નોંધવામાં આવ્યા. જેમાંથી માત્ર 914 કેસમાં સંક્રમણના લક્ષણ જોવા મળ્યા.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે બે કરોડ 60 લાખની વસતીવાળા શાંઘાઈમાં કડક લોકડાઉન લાગુ કરાયુ છે, જ્યાં કેટલાય પરિવારને ત્રણ સપ્તાહ પહેલા ઘરમાંથી નીકળવાની પરવાનગી નથી.
ગુઆંગઝોઉ માટે કોઈપણ પ્રકારના લોકડાઉનની જાહેરાત કરાઈ નથી, પરંતુ સંક્રમણ રોકાયુ નહીં તો અહીં પણ કડક પગલા ઉઠાવવામાં આવી શકે છે. આ શહેર હોંગકોંગના ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે અને અહીં કેટલીય મોટી કંપનીઓની ઓફિસ છે. ગુઆંગઝોઉમાં સોમવારે સંક્રમણના 27 નવા કેસ સામે આવ્યા છે.
ગયા અઠવાડિયે સ્થાનીય સ્તર પર સંક્રમણના 23 કેસ સામે આવ્યા બાદ પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયોને બંધ કરી દેવાયા હતા અને ઓનલાઈન માધ્યમથી અભ્યાસ શરૂ કરવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ.
એક મ્યુઝિયમ કેન્દ્રને અસ્થાયી હોસ્પિટલમાં બદલવામાં આવી રહ્યુ છે. શહેરના પ્રવક્તા ચેન બિને સોશ્યલ મીડિયા પર જણાવ્યુ કે માત્ર ખૂબ જરૂરી હોય તો જ નાગરિક ગુઆંગઝોઉમાંથી જઈ શકે છે. આ માટે જવાના 48 કલાક પહેલા જ તપાસ રિપોર્ટમાં તેમના સંક્રમણ ના હોવાની પુષ્ટિ થવી જોઈએ.