કોરોનાના બીકે ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજાેરી ભરાઈ
અમદાવાદ: કોવિડ ૧૯નો ડર લોકોમાં એટલો પ્રસરી ગયો છે કે, અનેક લોકોને નજર સામે મોત દેખાઈ રહ્યું છે. કોવિડ ૧૯ ના કહેરના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ તરફ વળ્યા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની નવી ઇન્કવાયરીમાં ૫૦ ટકાનો વધારો થયો છે. ૧૦૦ ગ્રાહકો પૈકીના ૬૦ ટકા ગ્રાહકો કોવિડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સની ઇન્કવાયરી કરી રહ્યાં છે. કોવિડ પોલિસી માટે લોકોનો ધસારો વધારો છે. તો બીજી તરફ, કોરાનાના ડરે હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ કંપનીઓને બખ્ખા થઈ ગયા છે. અનેક કંપનીઓએ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની નવી પોલીસી લોન્ચ કરી છે. ૪ મહિના ૬ મહિના અને વર્ષની પોલીસી લોન્ચ કરાઇ છે.
કોરાનાના ડરે ઇન્સ્યોરન્સ કંપનીઓની પોતાની તિજાેરીઓ ભરી લીધી છે. આ કારણે હેલ્થ ઇન્શ્યોરન્સની ડિરેક્ટ પ્રીમિયમની આવક રૂ. ૧૩,૪૩૬ કરોડને પાર પહોંચી ગઈ છે. એપ્રિલ-જૂન ૨૦૧૯ વચ્ચે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની આવક ૧૨૪૪૩ કરોડ જેટલી હતી. એપ્રિલથી જુન ૨૦૨૦ દરમિયાન પ્રીમિયમની આવક ૭.૯૮% વધી છે. સ્વાસ્થ્ય વિમાના પ્રીમિયમની આવકમાં ૨૩.૯૭%નો વધારો થયો છે. ઈરડા દ્વારા લોન્ચ કરાયેલ સ્ટાન્ડર્ડઇઝડ હેલ્થ પ્રોડક્ટ આરોગ્ય સંજીવનીને બહોળો પ્રતિસાદ મળ્યો છે. વીમા કંપનીઓ માટે કોરોના પોલિસી ફરજીયાત કરી છે. હાલ કોવિડ ૧૯ અને આરોગ્ય સંજીવનીની ગ્રાહકોમાં ખુબ ડિમાન્ડ છે.
કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકો વીમા રોકાણ તરફ વળ્યા છે. એલઆઈસીના આંકડા કહે છે કે, ગુજરાતમાં એપ્રિલની તુલનામાં જૂન દરમિયાન વીમા પોલિસીના ખરીદનારાની સંખ્યા ૧૦ ગણી થઈ ગઈ. આ દરમિયાન વીમા પ્રીમિયમની આવકમાં પણ ૫૦૦%નો જંગી વધારો થયો. ગુજરાતમાં એપ્રિલમાં ફક્ત ૫૦૭૩ લોકોએ નવી પોલિસી ખરીદીને ફક્ત રૂ. ૬૩.૪૭ કરોડ પ્રીમિયમ ભર્યું હતું. જાેકે, જૂનમાં તેનાથી ૧૦૦૦% વધુ એટલે કે ૫૦,૯૦૪ લોકોએ રૂ. ૩૪૭.૨ કરોડ ચૂકવીને નવા વીમા ખરીદ્યા.
કોરોનાના કારણે જાહેર કરાયેલા લાૅકડાઉન અને અનલાૅક-૨ દરમિયાન એપ્રિલથી જૂન સુધી આશરે ૭.૦૫ લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો છે. જે એક રેકોર્ડ બતાવે છે. ત્રણ મહિનામાં એલઆઈસીને પહેલા હપ્તાના રૂપમાં રૂ. ૫૮૯.૩૯ કરોડ પ્રીમિયમ મળ્યું છે.