કોરોનાના ભય વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસની દહેશતને લીધે ધાર્મિક સ્થળોને સાવચેતી રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની દહેશતને ધ્યાનમાં લઈને જમ્મુ કાશ્મીર સરકારે રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળ માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર સરકાર તરફથી આજે આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ૨૫મી માર્ચથી દેશભરના હજારો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીની યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ નવરાત્રીના સમયે વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કરવા માટે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓ સંકુલમાં પહોંચે છે. દેશભરના યાત્રીઓ અહીં પહોંચશે. આ બાબતને ધ્યાનમાં લઈને સાવચેતી રૂપે વૈષ્ણો દેવી યાત્રાને મોકુફ કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર સરકારે બીજા રાજ્યોમાંથી આવનાર તમામ બસ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
હજુ સુધી થર્મલ તપાસ બાદ યાત્રીઓને મોકલવામાં આવી રહ્યા હતા. માતા વૈષ્ણો દેવી મંદિર બોર્ડના અધિકારીઓએ કહ્યું છે કે, હાલમાં મંદિર સુધી ટ્રેક પર યાત્રા કરનાર તમામ શ્રદ્ધાળુઓની થર્મલ તપાસ થઈ રહી હતી. ત્યારબાદ બાણગંગા ચેકપોસ્ટથી આગળ મોકવવામાં આવી રહ્યા હતા.
સાવચેતીરૂપે યાત્રા માર્ગ ઉપર મંદિર બોર્ડ તરફથી દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ કોરોનાના ધ્યાનમાં લઈને હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્થિત તિબેટી મંદિરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધર્મગુરુ દલાઈ લામા ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સાવચેતીરૂપે નિર્ણય કરાયો છે.
કોરોના વાયરસનો પ્રકોપ અને તેને રોકવા માટે સરકાર તરફથી જારી કરવામાં આવેલા નિયમ તેમજ કલમ ૧૪૪ને ધ્યાનમાં લઈને તિબેટી મંદિરને ૧૫મી એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. ભારતના અન્ય બાકી મઠને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશના અન્ય ભાગોમાં મોટા મંદિરો પહેલાથી જ બંધ કરાયા છે. જેમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરનો પણ સમાવેશ થાય છે. નવરાત્રીના પ્રસંગે વૈષ્ણો દેવી મંદિરને બંધ રાખવાના નિર્ણય બાદ પ્રવાસીઓમાં નિરાશા જાવા મળી રહી છે. નવરાત્રીના સમયે આવનાર શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધના પરિણામ સ્વરૂપે આ વખતે રાજ્યની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો પડી શકે છે. ગયા વર્ષે નિર્ધારિત નવરાત્રી ગાળા દરમિયાન બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીએ પહોંચ્યા હતા. આ વખતે ૨૫મી માર્ચથી નવરાત્રી ઉત્સવની શરૂઆત થઈ રહી છે.
જાકે, પહેલાથી જ તંત્ર દ્વારા માતા વૈષ્ણો દેવીની યાત્રાને રોકવાનો નિર્ણય કરાયો છે. ભારતમાં કોરોના વાયરસ સંકટ હવે વધુ ઘેરુ બની રહ્યુ છે. ભારતમાં ૧૦ નવા કેસો સપાટી પર આવનતા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ૧૪૮ ઉપર પહોંચી ગઇ છે. આ ૧૪૮ કેસો પૈકી ૧૨૩ ભારતીય અને ૨૫ વિદેશી દર્દીઓ રહેલા છે. ૧૫૦થી વધુ કેસો પૈકી સૌથી નવો પોઝિટીવ કેસ મહારાષ્ટ્રના પુણેમાં સપાટી પર આવ્યો છે. ત્યાં એક મહિલા કોવિડ-૧૯ના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગઇ છે.