કોરોનાના મહાજંગમાં આશા અને આંગણવાડી બહેનો બની કોરોના વોરિયર્સ
સાણંદ, સાણંદ તાલુકાના ૭૯ ગામનો હાઉસ ટુ હાઉસ સર્વે આશા અને આંગણવાડીની ૨૦૯ બહેનોએ કર્યો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. દેશ સહિત ગુજરાત રાજયમાં કોરોના વાઇરસના
અનેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકકાવી શકાય તે માટે સંકલિત બાળ
વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આરોગ્ય વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. સમગ્ર રાજ્ય
અત્યારે કોરોનાની મહામારીનો વૈશ્વિક રીતે સામનો કરી રહ્યું છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ડોક્ટર્સની સાથે-સાથે રાજ્યમાં આવેલ આંગણવાડીની બહેનો દ્વારા ગુજરાતના તમામ નાગરિકોની સુખાકારી માટે ઘરે-ઘરે જઇને બાળકો, સગર્ભા માતાઓ અને ઘરનાં તમામ સભ્યોનો COVID 19 નો સર્વે કરવામાં આવી રહ્યો છે.
સંકલિત બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર મીનલબહેન મહેતાએ જણાવ્યું છે કે અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથો સાથ આઇ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી બહેનો
ખભેખભા મિલાવી કામગીરી કરી રહી છે. જિલ્લાના સાણંદ તાલુકાના ૭૯ ગામનો સર્વે આંગણવાડીની ૨૦૯ બહેનો તથા આરોગ્ય શાખાની આશા વર્કસ બહેનોએ સાથે રહીને હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં દરેક બહેનોએ ટીમ બનાવીને દરેક ઘરે જઇને લોકોનું ટેમ્પરેચર માપવાનું, ખાસી, શરદી, તાવ શરીરમાં દુઃખાવો, શ્વાસમાં મુશ્કેલી પડતા વ્યક્તિઓની વિગતોનો સર્વે હાથ ધર્યો હતો અને કોરોના અંગે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી.
મહામારીથી બચવા માટે સાબુ-સેનીટાઇઝરથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, ભીડમાં ન જવું જેવી સલાહ આપી લોકજાગૃતિનું કામ પણ કરી રહી છે. જેમાં કોઇને કઇ બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે. આશા વર્કર બહેનો દ્વારા દરેક ઘરોમાં સમજાવવામાં આવે છે કે તેઓ સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોવે, કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. આરોગ્ય કેન્દ્ર દ્વારા અપાયેલ ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે પીવામાં આવે. બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જેવી પ્રાથમિક માહિતી પુરી પાડવામાં આવી હતી. આ સાથે દરેક ઘરનો સર્વે થયા બાદ તે ઘરને નંબર આપવામાં આવે છે. તથા ફરી વાર તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે. કોવિડ સેન્ટર પર જે નગરિકોને ટેસ્ટ કરાવવો હોય તે ફ્રી માં ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.