કોરોનાના મામલે ભારતમાં ગંભીર સમસ્યાઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ચીનમાં સંક્રમણના બીજા તબક્કાને લઈને ભય પેદા થયો
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મોટા દેશની તુલનામાં, અમેરિકા કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી વિરુદ્ધ ખૂબ સારું કામ કરી રહ્યું છે, જ્યારે ભારત આ મહામારીથી લડવામાં ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને ચીનમાં પણ કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં એક જ દિવસમાં ૫૨૦૫૦ કેસ સામે આવ્યા બાદ દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૧૮૫૫૭૪૫ થઈ ગઈ છે.
જ્યારે, ચીને મંગળવારે દેશમાં કોરોના વાયરસ બીમારીના નવા ૩૬ કેસ સામે આવ્યાની જાણકારી આપી છે, જે એક દિવસ પહેલાં ૪૩ કેસોની તુલનામાં ઓછા છે. ચીનમાં ૨૯ જુલાઈએ ત્રણ મહિનામાં પહેલીવાર કોવિડ-૧૯ના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા હતા,ત્યારબાદ ત્યાં સંક્રમણના બીજા તબક્કાને લઈને ભય પેદા થઈ ગયો હતો. ટ્રમ્પે સોમવારે વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, મને લાગે છે કે અમે ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ.
જો તમે ખરેખર જોવો તો શું ચાલી રહ્યું છે, ખાસ કરીને આ નવા કેસ સામે આવવા અને એ દેશોના સંબંધમાં, જે અંગે વાત કરાઈ રહી હતી કે તેમણે કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેમણે કહ્યું કે મોટા દેશોની તુલનામાં અમેરિકા કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ખૂબ સારું કામ કરી રહ્યો છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યુંકે, એ ન ભૂલવું જોઈએ કે આપણે ભારત અને ચીન સિવાય કેટલાય દેશોથી મોટા છીએ. ચીનમાં મોટા પ્રમાણમાં ચેપના કેસો વધી રહ્યા છે. ભારતમાં ભારે સમસ્યા છે. અન્ય દેશોમાં પણ સમસ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા આ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, ત્યાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૪૭ લાખથી વધુ છે અને આ બિમારીથી ૧૫૫૦૦૦ લોકોના મોત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા અનુસાર અમેરિકામાં હમણાં સુધી છ કરોડથી વધુ લોકોના કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકા કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે સારી કામગીરી કરે છે. અમેરિકામાં કોરોના વાયરસ બીમારીના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.