કોરોનાના રિપોર્ટ સાથે ચેડાં કરી વીમો પકવતી ટોળકી ઝડપાઈ
વડોદરા, કોરોના મહામારી નામની આફતને અવસર બનાવી લાખો રૂપિયા પડાવી લેવાની મંશા ધરાવનાર તબીબો, એજન્ટ અને લેબ સંચાલકો અને દર્દીઓની ટોળકીને પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરામાં ૭મી જાન્યુઆરીના રોજ જે.પી.રોડ.પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં યુનિપેથ લેબના લેબ ટેક્નિશિયન અંકિત ઝવેરીએ ફરિયાદ કરી હતી કે એચડીએફસી એર્ગો ઇન્સ્યોરન્સમાંથી તપાસ આવી હતી કે તેઓની લેબમાં નિમેષ પરમાર નામની વ્યક્તિએ કોવિડ-૧૯ રિપોર્ટ કઢાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે કે કેમ તે અંગે લેબ ટેક્નિશિયને તપાસ કરતા રિપોર્ટ સાથે ચેડાં કરી નેગેટિવ રિપોર્ટને પોઝિટિવ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ભેજાબાજ નિમેષ પરમાર તો માત્ર મહોરું હતો હકીકતમાં તો નિમેષ પરમારે વાઘોડિયા રોડ સ્થિત બાલાજી હોસ્પિટલના તબીબ ડો. અનિલ પટેલ સાથે ગોઠવણ કરી ૨.૫૦ લાખનો વીમો પકવી રોકડી કરવાની મુરાદ હતી. પરંતુ પોલીસે સઘન તપાસ કરતાં ખબર પડી કે નકલી ક્લેમ કરનાર દર્દી નિમેષ તો માત્ર ૨૦,૦૦૦ જ મેળવવાનો છે. બાકીના નાણાં બાલાજી હોસ્પિટલના તબીબ ડો.અનિલ પટેલ અને બાજુમાં જ આવેલ દ્વારકેશ લેબની સંચાલક રિપલ મિશ્રા લેવાના હતા.
બાદમાં પોલીસની પૂછપરછમાં તબીબે વટાણા વેરી દેતા કહ્યું કે, ૭ દિવસ દર્દીને હોસ્પિટલમાં સારવાર આપી તે તમામ પ્રિસ્ક્રીપ્શન સહિતની ફાઇલ જ બનાવટી હતી. અને બોગસ કોરોના ક્લેમ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે બાલાજી હોસ્પિટલના તબીબ ડો.અનિલ પટેલ, દ્વારકેશ લેબ સંચાલિકા રિપલ મિશ્રા, દર્દી નિમેષ પરમાર અને વીમા એજન્ટ પ્રવીણ પરમાર સહિત ચાર લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસને આ કૌભાંડમાં હજુ પણ લોકોની સંડોવણી અને બોગસ ક્લેમનો આંક વધુ હોવાની ગંધ આવી જતા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા અને બાલાજી હોસ્પિટલની અન્ય શંકાસ્પદ ફાઈલો તપાસવાનું હજુ તો શરૂ કર્યું જ હતું કે, ઇન્સ્યોરન્સ કંપનીએ જેતલપુર રોડ સ્થિત ન્યુબર્ગ લેબોરેટરીનો સંપર્ક કર્યો અને બાલાજી હોસ્પિટલમાંથી કોઈ મિતેષ પ્રજાપતિ અને તેની પત્નીનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે કે કેમ તેની તપાસ લેબ સંચાલક ડો.બીજલ શાહે કરતા મિતેષ પ્રજાપતિ અને તેની પત્નીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છતાં ચેડાં કરીને પોઝીટિવ બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને ન્યુબર્ગ લેબોરેટરીએ ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને પગલે લુણાવાડાના એન્જીનયર અને ખોટો કોરોના ક્લેમ કરનાર મિતેષ પ્રજાપતિ, એજન્ટ નિમેષ પરમારની ધરપકડ કરી હતી. અગાઉની ટોળકીના તબીબ, લેબ સંચાલક, એજન્ટની ટ્રાન્સફર ઓર્ડરથી વધુ એક બોગસ કોરોના ક્લેમ મામલે ધરપકડ કરી છે. એટલે કે અત્યાર સુધી ૫ લોકોની ધરપકડ થવા પામી છે.SSS