કોરોનાના લીધે ભારત-શ્રીલંકા વન-ડે,ટી૨૦ શ્રેણી પર અનિશ્ચિતાના વાદળ
કોલંબો: ભારતમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે અને હવે ભારતના પાડોશી દેશોમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે.શ્રીલંકા આ પૈકીનો એક દેશ છે જ્યાં કોરોનાની બીજી લહેર આવી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
જેના પગલે ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ સિરિઝ પણ ખતરામાં પડી ગઈ છે.જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે ત્રણ વન ડે અને ત્રણ ટી ૨૦ મેચ રમવાની છે. તે પહેલા જ શ્રીલંકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી આ વખતે પણ આ સિરિઝને ટાળી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. શ્રીલંકાનુ ક્રિકેટ બોર્ડ પણ આ વાતને લઈને ચિંતામાં છે. છેલ્લા એક સપ્તાહમાં શ્રીલંકામાં કોરોનાના ૧૬૦૦૦ જેટલા નવા કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે ૧૪૫ લોકો જીવ પણ ગુમાવી ચુક્યા છે.
ભારતમા તો કોરોનાએ ચારે તરફ તબાહી સર્જી છે. ભારતમાં રોજ લાખો નવા દર્દીઓ સામે આવી રહ્યા છે પણ હવે શ્રીલંકા જેવા નાના દેશમાં પણ કોરોનાનો પ્રસાર થવા માંડ્યો છે. ગયા વર્ષે ભારતે જુન મહિનામાં આ સિરિઝ રમવાની હતી પણ કોરોનાની પહેલી લહેરની વચ્ચે સિરિઝને મુલત્વી કરીને આ વર્ષે રમાડવાનુ નક્કી કરાયુ હતુ પણ ફરી વખત કોરોનાના સંક્રમણને જાેતા સિરિઝ પર સંકટ દેખાઈ રહ્યુ છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે, કોરોના સંક્રમણ ચિંતાનો વિષય છે.
જાેકે બોર્ડના સિનિયર અધિકારીએ કહ્યુ હતુ કે, કોરોના દરમિયાન શ્રીલંકાએ સફળતાપૂર્વક ઈંગ્લેન્ડ સામેની સિરિઝ રમાડી હતી.અમને વિશ્વાસ છે કે, ભારત સામેની સિરિઝ અમે રમાડી શકીશું. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે હાલના તબક્કે તો ભારતીય ટીમને શ્રીલંકા મોકલવાનુ નક્કી કરેલુ છે. જાેકે આ ટીમમાં કોહલી, રોહિત શર્મા અને ઈશાંત શર્મા તથા જસપ્રીત બુમરાહ સામેલ નહીં થાય.આ દરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાં હશે.