કોરોનાના વધતા કેસ વચ્ચે બોલ્યા મનસુખ માંડવિયા: સ્કૂલના બાળકો માટે રસીકરણમાં તેજી લાવો
નવી દિલ્હી, દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ચોથી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી આઠ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી છે.
આ વાતચીત દરમિયાન તેમણે રાજ્યોને સ્કૂલે જતા બાળકો માટે કોવિડ રસીકરણ કવરેજ વધારવા, વૃદ્ધો માટે પ્રિકોશન ડોઝ અને જીનોમ સિક્વેન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સમીક્ષા બેઠકમાં રાજ્યોને જણાવ્યું- કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. દરેક વધતા કેસ સાથે રાજ્યોએ એલર્ટ રહેવું પડશે અને કોવિડના નિયમોનું પાલન કરવુ પડશે.
હકીકતમાં દેશમાં કોરોના કેસ વધવાને ચોથી લહેરની આશંકા ગણાવવામાં આવી રહી છે. દરરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮૦૮૪ લોકો આ વાયરસનો શિકાર થયા છે. તો આ દરમિયાન ૧૦ લોકોના મોત પણ થયા છે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૫,૨૪,૭૭૧ થઈ ગયો છે.
દેશમાં કોવિડના એક્ટિવ કેસ વધીને ૪૭૯૯૫ થઈ ગયા છે, જે કુલ કેસના ૦.૧૧ ટકા છે. આ વચ્ચે દેશમાં વેક્સીનેશન અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ રસીના ૧૯૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
૧૩ જૂને દેશમાં ૧૧ લાખ ૭૭ હજાર ૧૪૬ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વેક્સીનેશનનું કવરેજ ૧૯૫ કરોડ ૧૯ લાખ ૮૧ હજાર ૧૫ ડોઝ પર પહોંચી ગયું છે.ss2kp