કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેડીકેટેડ સિવિલ હોસ્પિટલમાં તંત્ર ખડે પગે
૧૧૨૫ કોરોના યોધ્ધાઓ અવિરત સેવા બજાવે છે… કોઈના બાળકો નાના છે… કોઈના પરિવારમાં તકલીફ છે…પણ સેવા જ
તેમનો ધર્મ…. “સલામ છે આ યોધ્ધાઓને…” માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકોને સાચવવા ”ક્લીન રૂમ”માં ૫ બાળકોને નર્સીંગ સ્ટાફ “માતા” બનીને સાચવે છે…..
કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખ્જાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવોડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૧૧૨૫ યોધ્ધાઓ ૨૪*૭ ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
આ હોસ્પિટલના સુચારુ સસંચાલન માટે હોસ્પિટલની ડીન તરીકે મૈત્રેય ગજ્જરને જવાબદારી સોંપવામાં આવી છે. ડો ગજ્જર કહે છે કે, “ અહીં અત્રે ૬૫૭ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૨૯ દર્દીઓ પોઝીટીવ છે અને ૧૨૯ દર્દીઓના ટેસ્ટ કરાઈ ચુક્યા છે પરંતુ તેમના રીઝલ્ટ આવવાના બાકી છે. આ દર્દીઓમાં ૨૬૮ પુરુષ દર્દીઓ અને ૨૪૯ મહિલા દર્દીઓ છે. તો તેમાં ૨૩ ફિમેલ ચાઈલ્ડ અને ૧૭ મેલ ચાઈલ્ડ દર્દીઓનો સમાવેશ થાય છે. ૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૭ દર્દીઓ ઓક્સિજન પર છે અને ૬૨૩ દર્દીઓ નોર્મલ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારના માર્ગદર્શન હેઠળ આર્થિક બાબતોના સચિવ શ્રી મિલિન્દ તોરવણે અને શ્રી આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શીવહરે સીધી દેખરેખ રાખી રહ્યા છે.
હોસ્પિટલના આર.એમ.ઓ ડો. સંજય સોલંકી કહે છે કે, અહીં પ્રત્યેક પાળીમાં ૨૩ ડોક્ટર, ૧૦૪ નર્સ, ૧૧ પેરામોડિકલ સ્ટાફ અને ૨૩૪ વર્ગ-૪ના સેવકો અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. એ રીતે ૧૧૨૫ લોકો પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના અહીં ફરજ બજાવે છે. આ યોધ્ધાઓ, નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા… એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મુળ મંત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ “ ક્લીન રૂમ” કાર્યન્વિત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ “માતા” બનીને સાચવે છે. આ “ક્લીન રૂમ”માં હાલ ૫ બાળકો છે જેઓ ૫ થી ૧૦ વર્ષની વય જૂથના છે અને એક બાળક તો માત્ર દોઢ વર્ષનું છે…આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે અપાય છે. આ બાળકો માટે ખાસ “એટેન્ડન્ટ” પણ રખાયા છે.
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં પ્રવેશ અપાતો નથી…કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોયકે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સહાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટાલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે…સ આ માટે ૫૦ જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે. મારુ સ્વજન સારી સ્થિતિમાં છે એટલી ખાતરી કરાવવા માટે હોસ્પિટલ તરફથી આ વિડીયો કોલીંગની સુવિધા ઉભી કરાઈ હોવાનું ડો. ગજ્જર કહે છે.
આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્ર સાથે આ યોધ્ધાઓ ફરજ બજાવે છે. સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાના ધબકાર ને….