કોરોનાના હવે સૌથી વધુ કેસો હવે ઉત્તર ઝોનમાં નોંધાયા છે
અમદાવાદ, રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો અમદાવાદ શહેરમાં સૌથી વધુ જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારમાં આવતાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયામાં થયો હતો. છેલ્લા બે મહિનાથી દરરોજ આ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા હતા. જો કે બે મહિના બાદ પહેલી વાર હવે અમદાવાદમાં કોરોનાનું હોટ સ્પોટ બદલાયું છે.
કોરોનાના હવે સૌથી વધુ કેસો હવે ઉત્તર ઝોન એટલે બાપુનગર, નરોડા, સરસપુર- રખિયાલ, ઠક્કરબાપાનગર, સૈજપુર બોધામાં નોંધાયા છે. આજદિન સુધી અમદાવાદમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૧૧૯૫ જેટલા કોરોનાનાં એક્ટિવ દર્દીઓ છે.જ્યારે હવે મધ્યઝોનમાં ૧૧૧૨ દર્દીઓ છે.
ઉત્તરઝોનમાં છેલ્લા એક જ મહિનામાં ૧૦૦૦ કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર, સરસપુર- રખિયાલ, નરોડા, ઠક્કરબાપાનગર, સરદારનગર, ઇન્ડિયાકોલોની અને સૈજપુર બોધાને કોરોનાએ ભરડામાં લીધું છે. છેલ્લા બે દિવસમાં માત્ર નરોડામાં જ ૫૫ કેસ, બાપુનગરમાં ૨૭, ઠક્કરબાપાનગરમાં ૧૮, સરદારનગરમાં ૧૫, સરસપુર- રખિયાલમાં ૧૫, સૈજપુર બોધામાં ૧૩, ઇન્ડિયા કોલોનીમાં ૬ અને કુબેરનગરમાં ૫ કેસ નોંધાયા છે.
ઉત્તરમાં કેસો વધતા હવે ચિંતાનો વિષય બન્યો છે.કોરોનાનાં સૌથી વધુ કેસ કોટ વિસ્તારમાં ફેલાતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજ બંધ કરી દેવાયા હતા અને ત્યાં કડક લોકડાઉનનો અમલ કરવામાં આવતો હતો બાદમાં દક્ષિણ ઝોનમાં આવતા દાણીલીમડા, બહેરામપુરા, ઇસનપુર, મણિનગર કેસો વધ્યા હતા. જેથી ત્યાં પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હતો. હવે ઉત્તર ઝોન કોરોના હોટસ્પોટ બની ગયું છે જેથી બાપુનગર,નરોડા, ઠક્કર બાપાનગર,સરસપુર જેવા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવો જરૂરી છે. જો આ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર નહિ કરાય તો આ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થશે અને વધુ કેસો સામે આવશે.