કોરોનાના ૨૪ કલાકમાં ૭૫,૦૦૦ કેસ, ૧૦૨૩ મોત
દેશમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૩૩ લાખને પાર થઈ-રિકવરી રેટ ૭૬.૨૯ ટકા, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૧૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થયા
નવી દિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં પહેલીવાર ૨૪ કલાકની અંદર કોરોના વાયરસના ચેપગ્રસ્તોના કેસનો આંકડો ૭૫૦૦૦થી વધુનો નોંધાયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૩ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૭૫૭૬૦ કેસ નોંધાતા કુલ કેસ ૩૩૧૦૨૩૪ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૬.૨૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૧૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૫૨૩૭૭૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૦૪૭૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૨૫૯૯૧ એક્ટિવ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૪૧૭૫૭૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૨૫૬૮૭ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૭૯૩૫૧૬ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૫૫૬૫૧૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે. SSS