કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ એરપોર્ટ પર દંડ વસૂલાશે
નવી દિલ્હી: કોવિડ-૧૯ ગાઇડલાઇન્સના ભંગ વિરુદ્ધ કડક પગલાં ભરવાના સંકેત આપતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ચેતવણી આપી છે કે, તે આવી સ્થિતિમાં એરપોર્ટ પર જ દંડ વસૂલવા અંગે વિચાર કરી રહ્યું છે. આવામાં એરપોર્ટ પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. ડીજીસીએ અનુસાર, અત્યારે પણ દેશના કેટલાક એરપોર્ટ પર કોવિડ-૧૯ પ્રોટોકોલના પાલનને લઇને સ્થિતિ સંતોષકારક નથી. આવામાં એરપોર્ટ પર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વગેરે જેવા નિયમોના પાલન અંગે અપીલ કરવામાં આવી છે. ડીજીસીએએ કહ્યું કે, સ્થાનિક પોલીસ તંત્રના સહયોગથી સ્થળે જ દંડ વસૂલવા જેવી દંડાત્મક કાર્યવાહીની સંભાવના
અંગે વિચારણા કરાઇ રહી છે. જેથી પ્રોટોકોલના ભંગ બદલ સખત પગલા ભરી શકાય. ૧૫થી ૨૩ માર્ચ વચ્ચે ૩ એરલાઇનના ૧૫ મુસાફરો કોરોનાની ગાઇડલાઇન્સનું ભંગ કરતાં પકડાયા હતા. જેમની પર ત્રણ અઠવાડિયા સુધી ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા કે જાે કોઇ મુસાફર યોગ્ય રીતે માસ્ક ન પહેરે તો તેની સામે કાર્યવાહી કરતાં તેને ફ્લાઇટમાંથી ઉતારી દેવાશે.