Western Times News

Gujarati News

કોરોનાની તમામ પરિસ્થિતિઓ સામે લડવા રાજ્ય સરકાર સજ્જ : નાયબ મુખ્યમંત્રી 

૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે

અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા ૩ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાર શિવહરેની સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

આઇ.સી.યુ. અને વેન્ટીલેટરની જરૂરિયાત ઉભી થાય તેવા અતિગંભીર સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વધુ સધન અને સરળ સારવાર મળી રહે તે હેતુથી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમીટી દ્વારા કોવિડની રાજ્ય સ્તરની પરિસ્થિતિની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ બેઠક બાદ પ્રેસને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તહેવારના માહોલમાં વચ્ચે રાજ્યભરમાં છેલ્લા ૩ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઘણી ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ કથડતા અને ગંભીર બનતા તેઓને અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. જે કારણોસર ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો ધસારો વધ્યો છે.

નૂતનવર્ષના પ્રારંભે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે. તેને વધુ સધન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં ૩૦૦ થી વધુ દર્દીઓને અતિગંભીર સારવાર મળી રહે તે માટેની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં હાલ ૫૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૭૦ દર્દીઓ આઇ.સી.યુ , વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કૂલ ૨૪૮ વેન્ટીલેટરની સુવિધા છે. જેમાં ૭૮ વેન્ટીલેટર પર વધુ કોરોનાગ્રસ્ત ગંભીર પરિસ્થિતિઓમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય તેમ છે.

અમદાવાદ પશ્ચિમમાં આવેલ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ૪૫૦ પથારીઓની વ્યવસ્થા છે જેમાંથી ૧૮૮ દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૮૦ આઇ.સી.યુ. વેન્ટીલેટરની વ્યવસ્થા છે. જેમાંથી ૧૭ દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.

ગાંધીનગર મેડીકલ કોલેજમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ૩૦૦ પથારીની વ્યવસ્થા છે. જેમાંથી ૧૯૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અહીં ૧૦૦ વેન્ટીલેટર , આઇ.સી.યુ.ની વ્યવસ્થા છે. જેમાંથી ફક્ત ૨૦ વેન્ટીલેટર પર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ ગ્રામ્યમાંથી કોરોનાની સારવાર અર્થે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઘસારાને ટાળવા માટે અમદાવાદ સોલા સિવિલ અને ગાંધીનગર મેડીકલ કોલેજમાં પણ સારવાર મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

આગામી સમયમાં અમદાવાદ સિવિલ સંકુલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને ૫૦ થી ૧૦૦ પથારી ધરાવતા વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

અમદાવાદ સિવિલ સંકુલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પ્રસૂતા અને બાળકો માટે, ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કિડની હોસ્પિટલ અને કેન્સર સાથે કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ સજ્જ હોવાનું ઉમેર્યુ હતુ.

તહેવારો નિમિત્તે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જણાઇ આવતા ટૂંક સમયમા જ રાજ્ય સ્તરે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં જરૂર જણાઇ આવતા વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં પરિણમવામાં આવશે તેમ નીતિનભાઇ પટેલે કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ તહેવારોમાં પણ એક પણ દિવસની રજા ન રાખીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા માટે રાત-દિવસ સજ્જ મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની ખંતપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.