કોરોનાની ત્રીજી લહેરનો ભય નાગરીકોને નથી
બીજી લહેરમાં કોરોના ટેસ્ટીંગ, લેબોરેટરી બ્લડ ટેસ્ટીંગ અને સીટી સ્કેનમાં ભીડ થતી હતી તેવી થતી નથી.
લોકો સામાન્ય શરદી, ઉધરસમાં કોરોના ટેસ્ટીંગ કરવાનું ટાળે છે-માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોની સંખ્યા અમદાવાદ શહેરમાં ઘટીને ર૦ નજીક પહોંચી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ત્રીજી લહેર મહદઅંશે અંકુશમાં આવી ગઈ છે અને સંક્રમણ તથા પોઝિટિવ કેસમાં સતત ઘટાડાને પગલે માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારની સંખ્યા ઘટીને ૨૨ થઈ ગઈ છે. જે આગામી ૨-૪ દિવસમાં સાવ નાબૂદ થઈ જવાની શક્યતા જાેવાઈ રહી છે.
મ્યુનિ. હેલ્થ સૂત્રોએ સ્વીકાર્યું હતું કે શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થયા બાદ લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે દોડધામ કરવા માંડ્યા હતા. તેમની સુવિધા માટે અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત જાહેર માર્ગો પર ટેસ્ટિંગ ડોમ શરુ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે અર્બન હેલ્થ સેન્ટરો તથા ટેસ્ટિંગ ડોમ ખાતે ભીડ કે લાઈનો જાેવા મળતી નથી. એટલું જ નહીં નાગરિકોમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય ઓસરી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગઈકાલ સુધી ૩૧ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અમલમાં હતા પરંતુ નવા નિયમો તથા કોરોના સંક્રમણ અને નવા કેસના કોઈ સંકેત નહીં જણાતા ૧૧ સોસાયટીઓને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
જાેકે અન્ય બે નવી જગ્યાએ કોરોના કેસ નોંધાતા બે સોસાયટીને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવી છે. આ સાથે હવે શહેરમાં કુલ ૨૨ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. અને બે ચાર દિવસમાં આ સંખ્યા પણ ઘટીને એકાદ આંકડામાં આવી જશે તેમ હેલ્થ ખાતાના અધિકારીઓનું માનવું છે.
જાેકે અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કેટલાય નાગરિકો ઓમિક્રોન કોરોના સંક્રમણગ્રસ્ત હાલતમાં ફરી રહ્યા છે પરંતુ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ જ ઘટાડી દેવામાં આવ્યું છે જેના કારણે નવા પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી જણાઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ બાબતે પૂછતાં મ્યુનિ. હેલ્થ ખાતાના સત્તાવાર સૂત્રોએ આક્ષેપોને ફગાવતા કોરોના ટેસ્ટ કરાવવો હોય તેને કોણ રોકે છે તેવો સવાલ કર્યો હતો.
મ્યુનિ. હેલ્થ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું કે શહેરમાં કોરોના વેક્સિનેશન અને વર્તમાન કોરોના લહેરની ગંભીર અસરો ઓછી હોવાથી નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી ચૂકી છે. જેના કારણે નવા કેસ ઓછા નોંધાય છે અને જેમને સામાન્ય લક્ષણ હોય તેવો લોકો સામાન્ય સારવારથી સાજા થઈ જાય છે.
સૂત્રોએ તેમનાં સમર્થનમાં ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. એ બેડ સંપાદિત કર્યા હોવા છતા આ વખતે બહુ ઓછા દર્દી ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરમાં શહેરમાં જ્યારે કેસ વધ્યા ત્યારે મૃત્યુનું પ્રમાણ એટલું નહોતું નોંધાયું
અને જ્યારે કોરોના કેસ ઘટવા માંડ્યા ત્યારે મૃત્યુઆંક વધવા બાબતે પૂછવામાં આવતાં હેલ્થ વિભાગના સૂત્રોએ કહ્યું કે જેમણે કોરોના વેક્સીન નથી લીધી અથવા જેમને બીજી બિમારી હોય અને ઉમરલાયક વ્યક્તિ હોય તેવા નાગરિકોને કોરોના સંક્રમણ ગંભીર અસર કરે છે. તેના કારણે પોઝિટિવ કેસની સામે મૃત્યુઆંક વધુ લાગી રહ્યો છે.