કોરોનાની દેશી દવાની કિંમત ૫૦૦થી ૬૦૦ની વચ્ચે રહેશે
નવી દિલ્હી, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ દેશમાં ઉત્પાદિત એન્ટી કોવિડ દવાઓના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ મોઢેથી ગોળી તરીકે લેવામાં આવનાર દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે સહાયક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ડ્રગને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારત કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી ઘેરાયેલું છે અને દેશના આરોગ્ય માળખા પર ઘણું દબાણ છે. ચાલો જાણીએ કે આ દવા કોવિડ દર્દીઓને રિકવર થવામાં કેવી રીતે મદદ કરશે, દવાની કિંમત શું હશે અને આવા બધા મહત્વપૂર્ણ પ્રશ્નોના અંગે અત્રે વિસ્તૃત છણાવટ કરાઈ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (આઈએનએમએએસ) દ્વારા હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીના સહયોગથી આ ડ્રગ વિકસાવવામાં આવી છે. આ દવાનું નામ ૨-ડીજી છે. તેનું પૂરું નામ ૨-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ છે.
સામાન્ય અણુ અને ગ્લુકોઝની સુસંગતતાને કારણે આ દવાને દેશમાં જ મોટા પ્રમાણમાં તૈયાર કરી શકાય છે અને ઉપલબ્ધ કરાવી શકાય છે. ૨-ડીજી દવા પાઉડરના રુપે પેકેટમાં આવે છે. તેને પાણીમાં ઘોળીને પીવાની રહે છે. ગેસ અને એસેડિટી માટે જેમ ઇનો પાઉડર પાણીમાં ઘોળીને પીએ છીએ તેમ ૨-ડીજીને પણ પીવામાં આવે છે.