કોરોનાની બીજી લહેરમાં ૨૬૯ ડોક્ટર્સે જીવ ગુમાવ્યા
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા છે અને તેની સાથે સાથે અત્યાર સુધીમાં બીજી લહેર દરમિયાન ૨૬૯ ડોકટરોએ પણ જીવ ગુમાવ્યા છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તમામ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે.જાેકે પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ઓછા ડોકટરોના મૃત્યુ થયા છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન ૭૪૮ ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા. જાેકે દેશમાં સૌથી વધારે ડોકટરોના જીવ બિહારમાં ગયા છે.
બિહારમાં કુલ ૭૮ ડોકટરોના મોત થયા છે.બીજાે ક્રમ યુપીનો આવે છે. અહીંયા ૩૭ ડોકટરો કોરોનાના કારણે મોતને ભેટયા છે.
દિલ્હીમાં ૨૮ ડોકટરોએ જીવ ગુમાવ્યા છે તો આંધ્ર પ્રદેશમાં કોરોના ૨૨ ડોકટરોને ભરખી ગયો છે. મહારાષ્ટ્રમાં કે જ્યાં કોરનાના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં ૧૪ ડોકટરોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે.
આઈએમએના પૂર્વ અધ્યક્ષ પદ્મશ્રી ડોકટર કે કે અગ્રવાલનુ કોરોનાના કારણે સોમવારે મોડી રાતે નિધન થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ એમ્સમાં દાખલ હતા અને ત્રણ દિવસ પહેલા તબિયત વધારે બગડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મુકવામાં આવ્યા હતા. દરમિયાન કોરોનાના નવા કેસોમાં દેશમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.આમ છતા બીજી લહેર હજી પણ યથાવત છે.