કોરોનાની બીજી લહેર પર પણ ન્યૂઝીલેન્ડે મેળવ્યો વિજય
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડે ફરી એક વખત કોરોના વાયરસ પર વિજય પ્રાપ્ત કર્યો છે.કોરોના વાયરસની બીજી લહેર પર પણ આ ટચૂકડા દેશે કાબૂ મેળવીને દુનિયાને દંગ કરી નાંખી છે. ન્યૂઝીલેન્ડમાં લોકોએ તેની જોરદાર ઉજવણીની તૈયારીઓ શરુ કરી છે..આ પહેલા ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ઓકલેન્ડમાં કોરોનાના જે 6 દર્દીઓ હતા તે સાજા થઈ ગયા છે અને દેશમાં હવે કોરોના વાયરસનો એક પણ કેસ નથી.
ઉલ્લેખનીય છે કે, આ દર્દીઓ ઓગસ્ટમાં સામે આવ્યા હતા.આ પહેલા કોરોના પર ન્યૂઝીલેન્ડ કાબૂ મેળવી ચુક્યુ હતુ.જોકે 102 દિવસ બાદ નવા દર્દીઓ જોવા મળતા ચિંતા ફેલાઈ હતી પણ હવે આ દર્દીઓ સાજા થઈ ગયા બાદ ઓકલેન્ડમાં તમામ પ્રતિબંધો પણ હટાવી લેવાયા છે.તેની સાથે સાથે દેશમાં કોઈ પણ સ્થળે ચાર લોકોથી વધુના ભેગા થવા પરનો તેમજ રેસ્ટોરન્ટમાં 100થી વધુ લોકોના જમવા પરનો પ્રતિબંધ પણ દુર કરાયો છે.
ન્યૂઝીલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે, 18 ઓક્ટોબરે કોરોના પરના વિજયની ઉજવણી કરાશે.લોકોએ સામૂહિક પ્રયાસોથી ફરી કોરોનાને માત આપી છે.કોરોના વાયરસ માટે બનાવાયેલી સિસ્ટમ અસરકારક પૂરવાર થઈ છે.