કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દાદીની અંતિમક્રિયા આટોપીને ફરજ પર પરત ફર્યા
જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દેવગઢબારીયાના ચીફ ઓફિસર શ્રી વિજય ઇંટાળિયા દાદીની અંતિમક્રિયા આટોપીને રાતોરાત પરત ફર્યા
કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાના ફરજક્ષેત્રમાં આવતી કામગીરીને દિવસ રાત જોયા વિના પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. સરકારી તંત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અંગત જીવનમાં ઘણી મુશીબતો-પરેશાનીઓ વેઠતા હોય છે પરંતુ તેના કારણે મહામારીના આ દોરમાં તેઓ પોતાની ફરજ સાથે જરા પણ બાંધછોડ કરી રહ્યાં નથી.
કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરીને દાહોદના દેવગઢ બારીયામાં ચીફ ઓફિસર તરીકે ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ ફરજમાં જોડાનારા શ્રી વિજયભાઇ ઇંટાળિયાએ કર્મચારીઓ આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડયું છે. તેઓ આમ મૂળ ભાવનગરના અને તેમનું કુંટુંબ સુરતમાં સ્થાયી થયું છે. હજુ નોકરી જોઇન કરીએ ૩ મહિનાનો પણ સમય નહોતો થયો અને તેમને પારિવારિક સંકટનો સામનો કરવો પડયો.
પરિવારમાં દાદા-દાદીનું સ્થાન ઘેઘુર વડલા સમાન છે જેમની શીતળ છાયા પૌત્રો માટે સ્વર્ગસમાન સુખ આપે છે. ગત તા. ૧૧ ના રોજ શ્રી વિજયભાઇના દાદી સુશ્રી તમુબેન વાલજીભાઇનું ૮૩ વર્ષે સુરત ખાતે અવસાન થયું. બાળપણ જેમની છાયા તળે વિતાવ્યું હોય એવા વ્હાલસોયા દાદીનું આમ અચાનક ગુજરી જવું વિજયભાઇ માટે ખૂબ દુખદ અનુભવ હતો.
બીજી તરફ જિલ્લામાં કોરોનાની સ્થિતિ પણ ખૂબ વણસેલી હતી. કલેક્ટરશ્રીએ આ આપાતકાલીન સ્થિતિમાં સૌ અધિકારીઓ-કર્મચારીઓની મહિનાના અંત સુધીની તમામ રજાઓ પણ રદ કરી હતી. આવી સ્થિતિમાં જયારે વિજયભાઇને તેમના દાદીના નિધનનો રાત્રે સંદેશ મળ્યો. દાદીના અંતિમક્રિયા માટે તેમની રાહ જોવાઇ રહી હતી.
તેઓ રાત્રે જ નીકળી ગયા અને અંતિમવિધીમાં જોડાઇને મારતી ગાડીએ પાછા ફરી સવારે તુરત જ ફરજ પર હાજર થઇ ગયા. ઘણા વખતે તેઓ ઘરે પરત ફર્યા હતા અને શોકનો અવસર પણ હતો અને ઘરના લોકોનો આગ્રહ પણ હતો છતાં તેઓ રોકાયા નહી.
જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે સહુ કર્મયોગીઓ વિજયભાઇની જેમ પોતાના અંગત જીવનની મૂશ્કેલીઓને કોરાણે મૂકીને સતત કામગીરી કરી રહ્યાં છે. ત્યારે તેમની ફરજનિષ્ઠા જિલ્લાને કોરોનામુક્તિ ભણી લઇ જઇને સોનેરી પ્રભાત અવશ્ય લાવશે.