કોરોનાની સાથે-સાથે કામ કરવું પણ જરુરી: વડાપ્રધાન મોદી
સેનાના વીર જવાન સરહદ પર છે અને હિંમત સાથે, જોશ સાથે, મક્કમતા સાથે, દુર્ગમ પહાડો પર ઊભા છેઃ પીએમ
નવી દિલ્હી, ચીનના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહેલા વિપક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાંધવાની કોશિશ કરી છે. વડાપ્રધાન મોદીએ સંસદ સત્રના શરુ થતા પહેલા કહ્યું કે આખું સંસદ ગૃહ દેશના વીર જવાનો સાથે ઉભું છે અને ગૃહમાંથી એક સ્વર, એક ભાવ અને ભાવના સાથી જવાનો માટે છે. કોરોના સંકટ વચ્ચે આજથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી અલગ-અલગ સમય પર થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સત્ર પહેલા કરેલા સંબોધનમાં જણાવ્યું કે, આ વખતે સંસદની વિશેષ જવાબદારી છે, આજે જ્યારે અમારી સેનાના વીર જવાન સરહદ પર છે અને હિંમત સાથે, જોશ સાથે, મક્કમતા સાથે, દુર્ગમ પહાડો પર ઉભા છે. થોડા સમય પછી હિમવર્ષા અને વરસાદ શરુ થશે. દુર્ગમ વિસ્તારમાં તૈનાત અમારી સેના સાથે આખું સદન ઉભું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા જવાન સરહદ પર દુર્ગમ વિસ્તારમાં જુસ્સા સાથે તૈનાત છે. આ સદન પર એક સ્વર, એક ભાવ અને એક ભાવના, એક સંકલ્પથી સંદેશ આપશે કે સદનની સાથે આખો દેશ જવાનો સાથે ઉભો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારી જેવી મુશ્કેલીના સમયમાં સંસદનું સત્ર શરુ કરાયું છે. સાંસદોએ પોતાનું કર્તવ્ય કરવાનું પસંદ કર્યું છે.
હું તેમને શુભેચ્છા પાઠવું છું. આ વખતે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી અલગ-અલગ સમયે થશે. શનિવારે અને રવિવારે પણ સંસદની કાર્યવાહી થશે. તમામ સાંસદોએ પણ તેનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાને સાથે જ સાંસદોથી લઈને તમામને કોરોના મુદ્દે ચેતવ્યા છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલ નહીં. અમે ઈચ્છીએ છીએ દુનિયાના કોઈ પણ ખુલામાં જલદીમાં જલદી વેક્સીન તૈયાર થઈ જાય, અમારા વૈજ્ઞાનિકો પણ તેમાં સફળ થાય અને તમામ સમસ્યાથી છૂટકારો મેળવે.” વડાપ્રધાને કહ્યું કે આ સત્રમાં ઘણાં મહત્વના ર્નિણય લેવાશે ઘણી ચર્ચાઓ થશે. તેમણે કહ્યું કે દેશમાં આ સમયે કોરોના મહામારી સામે લડી રહ્યા છીએ. કોરોનાની સાથે-સાથે આપણું કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું, અમારા બધાનો અનુભવ છે કે લોકસભામાં જેટલી વધારે ચર્ચા થાય છે, જેટલી ગહન ચર્ચા થાય છે, જેટલી વિવિધતાઓ ભરેલી ચર્ચા થાય છે, તેનાથી સદનને, વિષયવસ્તુને અને દેશને ઘણો લાભ થાય છે. આ વખતે પણ તે મહાન પરંપરામાં અમે સાંસદો મળીને વેલ્યુ એડિશન કરીશું એવો વિશ્વાસ છે.SSS