કોરોનાની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી છેઃ સુપ્રીમ
નશીલી દવાના વેપાર કરવાના આરોપી જગજીતસિંહ ચહલની અરજી સુનાવણી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે નશીલી દવાઓનો વેપાર કરવાના આરોપી પંજાબના એક બિઝનેસમેનની પેરૌલનો સમય વધારતાં કહ્યું કે દેશમાં કોરોનાથી પેદા થયેલી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી, પરંતુ પ્રતિદિન સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે એક ગુનાહિત કેસના આરોપી જગજીતસિંહ ચહલની અરજી પર સુનાવણી કરતા આ રિમાર્ક કરી છે. આ આરોપીએ પોતાની પેરોલની મુદ્દત એક મહિનો લંબાવવા વિનંતી કરી હતી.
જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે આરોપીની અરજી પર મંગળવાલે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરતા કહ્યું કે જ્યારે કેટલાક આરોપી જામીન પર, તો કેટલાક પેરોલ પર હોય તો આવી પરિસ્થિતિમાં જેલોમાં વધુ ભીડ કરવાનો કોઈ અર્થ નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપી જગજીતસિંહ ચહની અરજીનો વિરોધ કરી રહેલા પંજાબ સરકારના વકીલની દલીલ દરમિયાન એમ પણ કહ્યું કે, તમે જોવો, કોવિડ-૧૯ની પરિસ્થિતિ પ્રતિ દિવસ સુધરી રહી નથી.
દેશમાં કોરોનાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પંજાબ સરકારના એફિડેવિટના અવલોકન બાદ કહ્યું કે આરોપીને ૧૯ ફેબ્રુઆરીના રોજ આ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા અને તેની અપીલ ૧૬ જુલાઈએ સુનાવણી માટે સૂચિબદ્ધ છે. બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, પેરોલના સમયની અપીલ પર સુનાવણી થાય અને અંતિમ આદેશ અપાય ત્યાં સુધી અરજી કરનારને સહયોગ આપવો અને અપીલ સુનાવણી માટે આવવા પર કોઈ પણ કારણસર સુનાવણી સ્થગિત કરવાની વિનંતી કરશો નહીં.
પંજાબના પ્રમુખ વેપારી જગજીતસિંહ ચહલ રાજ્યમાં નશીલા પદાર્થોના ધંધા કરવાના ગુનામાં આરોપી છે. સુપ્રીમ કોર્ટે ગત મહિને ચહલની અરજી પર પંજાબ સરકારને નોટિસ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીને લઈને દિલ્હી સરકારની કામગીરી સામે સવાલો પેદા કર્યા હતા. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પેરોલ અરજીની સુનાવણી દરમિયાન કોરોના વાયરસની વધતી મહામારીને લઈને ચિંતા પ્રગટ કરી છે.