કોરોનાની ૧૧ દિવસની સારવારનું બિલ ૪.૧૦ લાખ
આવી લૂંટ ચાલતી હોવાના કિસ્સા સામે આવતાં હોવા છતાં AMCના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી
અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ કેસ સેન્ટર તરીકે જાહેર કરીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના ટપોટપ મોત થતાં ગભરાઈને અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, કોવિડ હોસ્પિટલમાં કોર્પોરેશન ક્વોટાના ૫૦ ટકા બેડ હોય છે તેમાં નિઃ શુલ્ક સારવાર હોય છે. પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલો એકસ્ટ્રા ટ્રીટમેન્ટના નામે વધારાના પૈસા પડાવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના આનંદનગર વિસ્તારની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા એક દર્દીને ૧૧ દિવસની સારવારનું ૪.૧૦ લાખ રૂપિયાનું બિલ આપવામાં આવતા દર્દીઓના સ્વજનો નિઃશુલ્ક સારવારના બદલે તોતિંગ બિલ આવતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
સૌથી મોટો સવાલ એ છે કે, તમામ હોસ્પિટલોમાં સારવાર એક જ પ્રકારની આપવામાં આવે છે તો બિલની રકમ આટલો મોટો તફાવત કેમ? અગાઉ પણ આ જ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કર્યા બાદ તેનું મોત થયું હતું. જ્યાં હોસ્પિટલે તેમના પરિવારને ૯ લાખથી પણ વધુનું બિલ પધરાવી દીધું હતું.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગોતાના દર્દીને ૧૪ નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ દ્વારા ૪થી ૯ તારીખનું ૪૪ હજારનું બિલ બનાવાયું હતું! જેમનું ૨૫ નવેમ્બરે નિધન થયું હતું. એએમસીના નિયમની ઐસીતૈસી કરીને એખ દિવસના ૧૮ હજાર કહ્યા બાદ રોજના ૩૭ હજાર લેખે બિલ બનાવાયું હતું, એટલું નહીં, ૧૧ દિવસની સારવારના ૪.૧૦ લાખનું બિલ દર્દીના નિધન છતાં વસૂલ કર્યું હતું. નોંધનીય છે કે, ખાનગી હોસ્પિટલો દ્વારા મરજી મુજબ ગભરાયેલા દર્દી પાસેથી તોતિંગ પેકેડ ઓફર કરીને નાણા પડાવતા હોવાનો કિસ્સાઓ સામે આવ્યા છે.
અગાઉ કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં ઉઘાડી લૂંટ કરી ચૂકી છે. ત્યારે આવી લૂંટ ચાલતી હોવાના કિસ્સા સામે આવતાં હોવા છતાં એએમસીના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતાં. ઘણી ખાનગી કોવિડ હોસ્પિટલો સામે આક્ષેપ છતાં આવી હોસ્પિટલોને કેમ સાંખી લેવામાં આવે છે એવા અનેક સવાલો ઉઠી જવા પામ્યા છે. જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના તંત્ર અને સરકારે યોગ્ય તપાસ કરવી જોઈએ.