કોરોનાને કારણે અમદાવાદમાં એડવર્ટાઈઝીંગ એજન્સીઓના પેમેન્ટ અટક્યા
મુંબઈ- દિલ્હીથી આવતો બિઝનેસ હજુ પ૦ ટકા સુધી ઠપ્પ ઃ સંભવિત ત્રીજી લહેરને લઈને ચિંતા
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કેસો ઘટતા અને વેકસીનેશનની કામગીરી ઝડપી થતા જ દેશમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયુ છે. જેનો લાભ વ્યાપાર- ધંધાને મળતા કોરોનાકાળમાં આર્થિક નુકસાનથી વ્યાપક અસર થયેલ વેપાર-ધંધામાં વાતાવરણ કેટલેક અંશે ચેતનવંતુ થતા સેકંડો વ્યવસાયકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
તેમ છતાં હજુ પણ પ૦ ટકા જેટલો ધંધો જુદા-જુદા વ્યવસાયોમાં ઠપ જેવી હાલતમાં છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં કામ કરતી અંદાજે ૩૦ જેટલી નાની-મોટી એડવર્ટાઈઝીંગ એજન્સીઓના કામકાજમાં સુધારો જણાઈ રહયો છે. એડવર્ટાઈઝીંગ એજન્સીઓનો લગભગ મોટાભાગનો બિઝનેસ દિલ્હી- મુંબઈ જેવા શહેરોમાંથી આવતો હોય છે.
પરંતુ હજુ કોરોનાને લઈને આવતા અહેવાલો તથા અમુક રાજયોમાં કેસોમાં થઈ રહેલો વધારો વ્યવસાયને અસર કરી રહયો છે અમદાવાદમાં મોટી-મોટી કંપનીઓએ રોકાણ કર્યુ છે જેમાં દેશ-વિદેશની કંપનીઓની ઓફિસોનો સમાવેશ થાય છે.
તેમની બ્રાંચ ઓફિસો અમદાવાદ હોય છે પરંતુ હેડ-ઓફિસો મુંબઈ- દિલ્હી જેવા મોટા શહેરોમાં હોય છે એટલે એડવર્ટાઈઝીંગ એજન્સીઓનો બિઝનેસ ત્યાંથી આવતો હોય છે. હાલમાં પ૦ ટકાનો ધંધો મળી રહયો હોવા છતાં બજારમાં રોકડ સરકયુલેશન ઓછુ થયુ છે.
પરિણામે એક તો ધંધા-વ્યવસાયને ફટકો પડયો છે તો બીજી તરફ લગભગ રૂ.એક કરોડ જેટલા પેમેન્ટો અટકી ગયા છે ખાસ કરીને નાની-મધ્યમ કક્ષાની એજન્સીઓના નાણા ફસાયા હોવાથી તેમને ચલાવવી મુશ્કેલ થઈ રહી છે જાેકે, અમદાવાદમાં વેકસીનેશનની કામગીરી ઝડપી થતા તથા કોરોના કેસ ઘટવાને લીધે રાજય સરકારે નિયંત્રણો હળવા કૃયા છે.
ખાસ કરીને હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગ ધમધમતો થયો છે જેને લીધે અગાઉ જે સ્થિતિ હતી તેમાં સુધારો જરૂર થયો છે પરંતુ ઓવરઓલ બિઝનેસનાં સંદર્ભમાં ગાડી પાટે ચઢતા થોડો સમય જશે.
જાેકે વ્યવસાયકારોને સંભવિત ત્રીજી લહેરને લઈને ચિંતા છે ફરીથી કેસો વધશે અને નિયંત્રણો આવશે તો તેની સીધી અસર ધંધા- વ્યવસાયને થશે આમ તો કોરોના સામેની લડતમાં વેકસીનેશન જે પ્રકારે ઝડપથી થઈ રહયુ છે તેને લઈને સૌ કોઈ આશાવાદ છે. બસ સંભવિત ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહયું છે.