કોરોનાને કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધો ઉભા થયા, મોતના આંકડામાં પણ વધારો: ડબ્લ્યુએચઓ
નવીદિલ્હી, કોરોના મહામારીને કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. અનેક દેશોમાં કોરોનાને કારણે આરોગ્ય સેવાઓમાં અવરોધ ઉભો થવાના કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે. જેના કારણે મેલેરિયાથી થતાં મોતમાં પણ વધારો જાેવા મળ્યો છે.
યુએન હેલ્થ એજન્સીના તાજેતરના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં કુલ ૨૪.૧ કરોડ મેલેરિયાના કેસો સામે આવ્યા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૧.૪ કરોડ કેસ વધારે છે. વર્ષ ૨૦૨૦માં મેલેરિયાને કારણે ૬,૨૭,૦૦૦ લોકોનાં મોત થયા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૬૯,૦૦૦ વધારે છે.
વર્લ્ડ હેલ્થઓર્ગેનાઇઝેશને વધુમાં જણાવ્યું છે કે આ ૬૯,૦૦૦ મોત પૈકી ૪૭,૦૦૦ લોકોના મોત મેલેરિયા સામે રક્ષણ માટે ચાલતા અભિયાનમાં કોરોનાને કારણે ઉભા થયેલા અવરોધને કારણે થયા છે. કોરોના મહામારીને કારણે મેલેરિયાના રક્ષણ, તેના નિદાન અને સારવારમાં અવરોધ ઉભો થયો હતો.
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી ૯૫ ટકા મોત સબ સહારા આફ્રિકન દેશોંમાં થયા હતાં. છેલ્લા ૧૫ વર્ષોમાં ચીન અલ સાલ્વાડોર સહિત ૧૨ દેશોને ડબ્લ્યુએચઓ દ્વારા મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
જાે કે બીજી તરફ ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન ૧૧ દેશોમાં મેલેરિયાના કેસો ૧.૩ કરોડથી વધીને ૧૬.૩ કરોડે પહોંચી ગયા હતાં. આ દેશોમાં ગયા વર્ષો મેલેરિયાથી થતા મોત પણ ૫૪૦૦૦થી વધીને ૪,૪૫,૦૦૦ થઇ ગયા હતાં.HS