કોરોનાને કારણે શરદી, ખાંસી એન્ટીબાયોટિક દવાઓના વેચાણમાં ધરખમ વધારો
અમદાવાદ, ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોના આરોગ્ય પર મોટી અસર જાેવા મળી રહી છે ત્યારે હજુ સુધી કોરોના વાઇરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઇરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. કોરોનાને કારણે અમદાવાદ સહિત ગુજરાતભરના દવાના માર્કેટમાં છેલ્લા આઠ મહીનામાં ૧૦૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ખાસ કરીને શરદી ખાસી તાવની દવામાં ૮૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટના અલ્પેશ પટેલે કહ્યું હતું કે માર્ચ મહિનામાં કોરોના મહામારીની રાજયમાં શરૂઆત થયા બાદ દવાના વ્યવસાયમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે કારણ કે કોવિડને લગતી કેટલીક પ્રોડકટોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી ગઇ છે. તમામ પ્રોડકટનૌ વેચાણમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને શરદી તાવ ખાસી જેવી દવાઓના વેચાણમાં ૭૦થી ૮૦ ટકાનો વધારો થયો છે. આ સિવાય અન્ય બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો બીપીની દવા એન્ટીબાયોટ્ક પેરાસિટામોલ વગેરેના વેચાણમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.
તેમણે કહ્યું કે સામાન્ય દિવસોમાં જે લોકો મેડિકલમાંથી એક બે પેકેટ દવાના લઇ જતાં હોય છે ત્યારે કોરોનાકાળ દરમિયાનથી લોકો એક સાથે ૧૦-૧૦ પેકેટની ખરીદી કરી લે છે. જેને કારણે મોટાભાગના મેડિકલ સ્ટોર પણ જથ્થાબંધ દવાઓની ખરીદી કરી રહ્યાં છે. લોકોમાં કોરોનાના ડરને કારણે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના કેસમાં વધારો થતાં તેની દવાઓ પણ મોટા પાયે વેચાઇ રહી છે.
આ ઉપરાંત ઇમ્યુનિટી પાવર વધારવા માટે મોટાભાગના લોકો આયુર્વેદિક દવા લે છે જેને કારણે તેના વેચાણમાં પણ ૫૦ ટકાની આસપાસ વધારો થયો છએ. ડિમાન્ડ વધતા દવાઓના ભાવમાં વધારા સાથે ધણી દવાઓ પણ લોન્ચ કરવામાં આવી છે.HS