કોરોનાને કારણે IPL માંથી દિલ્હીનો અશ્વિન હટી ગયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/ipl.jpg)
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર સાથે આખો દેશ લડી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. દરેક વ્યક્તિ દવા, બેડ, ઑક્સીજન મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. મોટાભાગના રાજ્યોમાં પૂર્ણ કે આંશિક લૉકડાઉન કે પછી કોઈને કોઈ પ્રતિબંધ છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યા છે કે કોરનાને કારણે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બોલર આર અશ્વિન આઈપીએલની ૧૪મી સિઝનથી હટી ગયો છે. અશ્વિને આ અંગે ટિ્વટર પર પોસ્ટ મૂકીને જાણકારી આપી હતી. અશ્વિને ટ્વીટ કર્યું છે કે, હું કાલથી (મંગળવાર) આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું.
મારો પરિવાર કોવિડ-૧૯ સામે લડાઈ લડી રહ્યો છે અને હું મુશ્કેલ સમયમાં તેનો સાથે આપવા માંગું છું. બધું ધાર્યાં પ્રમાણે થશે તો હું ફરીથી ટીમમાં જાેડાઈશ તેવી આશા રાખુ છું. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ આર અશ્વિને આ ટ્વીટ કર્યું હતું.
દિલ્હી કેપિટલ્સે હવે તેની આગામી મેચ ૨૭મી એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ સામે રમવાની છે. આ મેચમાં ટીમ અશ્વિન વગર જ મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ સામે જીત મેળવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર આવી ગઈ છે.
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ પર ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એટલા જ રન બનાવી લીધા હતા. જે બાદમાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની જીત થઈ હતી. જાેકે, આ મેચમાં અશ્વિનને એક પણ સફળતા મળી ન હતી. અશ્વિને ચાર ઓવરમાં ૨૭ રન આપ્યા હતા. એટલું જ નહીં, દિલ્હી કેપિટલ્સ માટે પાંચ મેચમાં ફક્ત એક જ વિકેટ લઈ શક્યો છે.