કોરોનાને ધ્યાનમાં રાખી ડાંગનો ગીરા ધોધ સહિત પ્રવાસન સ્થળો બંધ
વહિવટી તંત્રએ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવસાન સ્થળોને પ્રવાસી માટે બંધ કરી દેવાનો ર્નિણય કર્યો
ડાંગ, રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રએ મહત્ત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન સહિત કૅમ્પ સાઇડ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતાં કેસને લઇને સરકારે મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ દરમિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવસાન સ્થળોને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો ર્નિણય કર્યો છે.
ડાંગના ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન, મહાલ અને કિલાદ કેમ્પ સાઇડ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ તંત્ર તરફથી તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય તે માટે આ સ્થળો પર સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાય છે.
આ સમયે બહારથી આવતા લોકોને કારણે ડાંગના લોકો સંક્રમિત ન થાય તે માટે તંત્ર તરફથી પ્રવાસન સ્થળો બંધ કરી દેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૨૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧૯ લોકો સાજા થઈ ગયા છે. ડાંગમાં અત્યાર સુધી કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું. રવિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૪૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા ૧,૯૭,૪૧૨એ પહોંચી છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ લોકોનાં કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩,૮૫૯ થયો છે. રવિવારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૧,૪૯૫ કેસ નોંધાયા છે. જ્યારે ૧,૧૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૭૯,૯૫૩ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર ૯૧.૧૬ થયો છે. આ જ રીતે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. રવિવારે રાજ્યમાં કુલ ૬૩,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૩૫૧૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.