કોરોનાને મ્હાત આપી સુરત સિવિલના તબીબ ડો. દિલેન ડેવિસ ફરજ પર હાજર થયા
જયાં સુધી કોરોનાને હરાવીશુ નહી ત્યાં સુધી પાછા ન હટવાનો નિર્ધાર વ્યક્ત કરતા ડો.દિલેન ડેવિસ
પહેલી લહેરમાં પણ સતત એક વર્ષ સુધી કોરોના દર્દીઓની સારવાર કરી હતી
બીજી લહેરમાં હઠીલા કોરોનાનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે. આવા કપરા સમયે જીવની પરવા કર્યા વિના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સિવિલના તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફગણ દિવસ-રાત મહેનત કરીને કોરોના દર્દીઓના જીવ બચાવવા ખડેપગે કાર્ય કરી રહ્યા છે. આ કોરોના યોદ્ધાઓ માનવજાતિ પર આવી પડેલી વિપદા સમયે વધુને વધુ સમય દર્દીઓની સેવા-સુશ્રુષામાં વ્યતિત કરીને ખરા અર્થમાં માનવીય સેવાની મિશાલ પુરી પાડી રહ્યા છે. સુરતની નવી સિવિલના આવા જ એક કોરોના વોરિયર તબીબ કોરોના સંક્રમણમાં સપડાયા બાદ ફરી નવા જોમ અને જુસ્સા સાથે કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગયા છે. જ્યાં સુધી કોરોનાને હરાવીશુ નહી ત્યાં સુધી પાછા ન હટવાનો દૃઢ નિર્ધાર પણ ડો.દિલેન ડેવિસ વ્યક્ત કરે છે.
કેરળના વતની ૨૬ વર્ષીય ડો.દિલેન ડેવિસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં પી.જી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. કોરોનાની પહેલી લહેરમાં પણ દિવસ-રાત દર્દીઓની સારવારમાં સેવારત રહ્યા હતા. રોજ ૧૦ કલાકથી વધુ સમય પીપીઈ કિટ પહેરીને દર્દીઓની સારસંભાળ રાખી રહ્યા છે. ગત તા.૭મી એપ્રિલે તાવ અને ખાંસીના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટીવ આવ્યો હતો. હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ તા.૧૭મી એપ્રિલના રોજ સ્વસ્થ થતા પુન: ફરજ પર જોડાઈ ગયા છે.
ડો. દિલેન જણાવે છે કે, મેં કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે જેના કારણે મને કોરોનાની અસર ઓછી થઈ છે. બીજી લહેર ખૂબ ઘાતક છે. અગાઉના વર્ષની સરખામણીએ આ વર્ષે દર્દીઓની સંખ્યા વધુ છે. જેથી લોકો સાવચેતી રાખે તે જરૂરી છે, તેમજ લોકોએ જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે સમય ગુમાવ્યા વિના ઝડપથી વેક્સિન મુકાવવી લેવી જોઈએ.
ડો.દિલેન હકારાત્મક ઊર્જાને ખુબ મહત્વની ગણે છે. તેઓ કહે છે કે, આપણી માનસિક સ્થિતિ અનુસાર શરીરમાં નેગેટિવ અથવા પોઝિટીવ એનર્જી ઉત્પન્ન થાય છે. મેં મારી ફરજ દરમિયાન મારી આંખોની સામે ૦૫ થી ૮૫ વર્ષની વયના દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થતાં જોયા છે. જેમાં હકારાત્મક વિચારસરણી મહત્વનો ભાગ ભજવે છે.
આમ, ડો.દિલેન જેવા અનેક સમર્પિત તબીબો કોરોના સામેનો જંગ મજબૂતાઈથી લડી, સંક્રમિત થયા છતાં સ્વસ્થ થઈને ફરજ પર પાછાં ફરીને દર્દીનારાયણની સારવાર સેવામાં વ્યસ્ત બની ગયાં છે.