કોરોનાને લીધે કોઇ ન આવ્યા, વહુએ સાસુને મુખાગ્નિ આપ્યો
મુંબઈ: સામાન્ય રીતે સ્ત્રીઓ અંતિમવિધિમાં ભાગ નથી લેતી. જાેકે, હવે દીકરીએ માતા કે પિતાને અગ્નિદાહ આપ્યો હોય તેવું હવે સામાન્ય બનવા લાગ્યું છે. પરંતુ સ્વર્ગવાસી સાસુના વહુએ અંતિમ સંસ્કાર કર્યા હોય તેવો કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. કોરોનાને કારણે કોઈ સગાસંબંધી ના આવી શકતા વહુએ પોતાના સાસુને મુખાગ્નિ આપી હતી.
૫૫ વર્ષના નીતા ગોદામ્બેના ૧૦૦ વર્ષીય સાસુ તારાબાઈ ગોદામ્બેનું તાજેતરમાં અવસાન થયું હતું. નીતાના પતિ પણ ૨૦ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. આમ, નીતા અને તેમના સાસુ જ વર્ષોથી એકબીજા સાથે રહેતાં હતાં. નીતાને પણ કોઈ સંતાન નહોતું. તારાબાઈ એક વર્ષ પહેલા પડી ગયા હતા, અને ત્યારથી તેઓ પથારીવશ હતા. બુધવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનાં પુત્રવધૂએ કેટલાક સંબંધીઓને ફોન કર્યા હતા, પરંતુ કોરોના અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કરફ્યૂને કારણે કોઈ આવી શકે તેમ નહોતું.
આખરે ગ્રામ પંચાયતના સરપંચે કેટલાક લોકો સાથે ભેગા થઈને મૃતકની અંતિમવિધિની તૈયારી શરુ કરી હતી. જાેકે, તે વખતે જ નીતાએ ઉભા થઈને પોતે જ સાસુને મુખાગ્નિ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ તો ગામના લોકોએ મહિલાઓ પણ પોતાના કુટુંબીજનના અંતિમ સંસ્કાર કરતી હોવા વિશે સાંભળ્યું હતું, પરંતુ આ કિસ્સામાં તો નીતા પોતે વિધવા હતાં અને તે મૃતકનાં દીકરી નહીં પરંતુ વહુ હતાં.
જાેકે, તારાબાઈ કદાચ જીવતા હોત તો તેમણે પોતાના અંતિમ સંસ્કાર વહુના હાથે થાય તે વાત ચોક્કસ મંજૂર રાખી હોત તેવું માની આખરે ગ્રામજનોએ મૃતકના પુત્રવધૂને સ્મશાન આવી તેમને મુખાગ્નિ આપવા માટે મંજૂરી આપી હતી.
જ્યારે તારાબાઈના પાર્થિવ દેહને સ્મશાન લઈ જવામાં આવ્યો, ત્યારે નીતા પણ રિક્ષામાં ત્યાં પહોંચ્યાં હતાં. ગામની સ્ત્રીઓ સ્મશાનની દીવાલ પાસે ઉભી રહીને સાસુને મુખાગ્નિ આપતી વહુને નીહાળી રહી હતી. પરંપરાથી વિરુદ્ધ નીતાએ સફેદ સાડી પણ નહોતી પહેરી. તેઓ પહેલાં ક્યારેય સ્મશાનમાં પણ નહોતા આવ્યા, તેમના પતિનું અવસાન થયું ત્યારે પણ નહીં. જેથી સ્વાભાવિક છે કે તેઓ થોડા નર્વસ હતાં,
પરંતુ છતાંય કાળજું કઠણ રાખી પોતાના વ્હાલસોયા સાસુને અંતિમ વિદાય આપી હતી. ગામના સરપંચ દશરથ જાધવે આ અંગે જણાવ્યું હતું કે, નીતાબેને જે કામ કર્યું તે ખરેખર સરાહનિય છે, અને આવનારા સમયમાં તેનું ચોક્કસ અનુકરણ થશે. તેમણે કહ્યું હતું કે તેમના ગામમાં ૮૦ ટકા મહિલાઓ સાક્ષર છે. આ ગામમાં જ નીતાના બે ભાઈઓ પણ રહે છે. તેમણે પણ બહેનના આ ર્નિણયને મંજૂરી આપી હતી.