કોરોનાને લીધે ગુજરાતના મોટા શહેરોમાં છઠ પૂજા રદ

અમદાવાદ: ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં છઠ પૂજાનું આયોજન નહિ થાય. સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠનો આજે ત્રીજો દિવસ છે.
આજે છઠ પૂજાનો પહેલું અર્ઘ્ય આપવામાં આવશે. છઠ પૂજાના બીજા દિવસે વ્રતીઓએ ખરના કર્યુ અન રોટલી-ખીર ખાઈને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. અમદાવાદમાં આ વર્ષે છઠ પૂજાનું આયોજન નહિ થાય. છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ઈન્દિરા બ્રિજ છઠપૂજા ઘાટ ખાતે છઠ પૂજા નહિ યોજાય. આ વિશે સમિતિ દ્વારા જણાવાયું કે, આ પૂજામાં મહિલાઓ દ્વારા ૩ દિવસના ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.
આવામાં ઘાટ પર આવેલા કુંડમાં પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો બધાને ચેપ લાગવાનો ભય રહે છે. તેથી તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની સમિતિ દ્વારા અપીલ કરાઈ છે. છઠપર્વને ઘરમાં રહીને કરવા અપીલ કરાઈ. વડોદરામાં કોરોનાના કારણે મહીસાગરના નદીના કિનારે છઠ પૂજા રદ કરાઈ છે. વડોદરાના કમલાનગર તળાવ કે હરણી સહિત વિવિધ તળાવો પર પણ છઠ પૂજા નહિ કરી શકાય.
આ વિશે પાલિકા કમિશનર પી સ્વરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર સ્થળો અને તળાવો પાસે છઠ પૂજા પર પ્રતિબંધ લગાડ્યો છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત ૪ લાખ ભક્તો ઘરે જ પૂજા કરશે. સુરતમાં છઠ પૂજાને લઈ વિવિધ ઓવારા પર બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. મન દ્વારા છઠનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. કોરોનાના કારણે મનપાએ અગાઉ સમાજના અગ્રણી સાથે મીટિંગ પણ કરી હતી.