કોરોનાને લીધે ફેફસાં પથ્થર જેવા બની જાય છેઃ અભ્યાસ

અમદાવાદ: આશરે ૬ મહિના સુધી કોરોનાના સામે લડાઈ બાદ દેશમાં ભોપાલ એમ્સ પછી ગુજરાતના રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ બીજુ સેન્ટર છે જ્યાં આ ખતરનાક વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓ પર પોસ્ટમોર્ટમ કરીને વાયરસ શરીરમાં કેવી અસર પહોંચાડે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેનો અભ્યાસ થઈ રહ્યો છે.
કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની આ ઓટોપ્સીથી કેટલીક બાબતો સામે આવી છે જે જાણીને મેડિકલ નિષ્ણાંતો પણ આશ્ચર્ય ચકિત થયા છે. કોરોનાનો ભોગ બેલા લોકોના ફેંફસા પથ્થર જેવા કડક બની જાય છે.
તેમજ શરીરની કેટલીક મહત્વની લોહી પહોંચાડતી નસોમાં ગાંઠા જામી જવાથી દર્દીઓના મોત થાય છે તેવું પ્રાથમિક અનુમાન આ મર્યાદિત સંખ્યાના પોસ્ટમોર્ટમ બાદ સામે આવ્યું છે. મહત્વનું છે કે કોરોનાની હજુ સુધી કોઇ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી.
જો કે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યાર સુધીમાં ૫ ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલુ જોખમ લેવા પાછળનુ કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પધ્ધતિમાં સુધાર લાવવાનો છે.
જોકે આ તમામ પોસ્ટમોર્ટમમાં એક વાત ખૂબ સામાન્ય છે કે તમામ દર્દીઓના ફેંફસા જાણે પથ્થરના બન્યા હોય તેવા થઈ ગયા હતા. પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડીસીન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યુ છે કે પોતાના ૧૩ વર્ષના ફોરેન્સિક મેડિસિન કરિયરમાં પહેલીવાર આ પ્રકારની વાયરલ બિમારી જોઈ છે જેમાં ફેંફસા પથ્થર જેવા કડક બની જાય છે. હજુ રીસર્ચ શરૂ કરવા જેટલા પરીક્ષણ પણ નથી થયા જો કે એક તારણ એવુ નીકળ્યુ છે કે કોરોના વાયરસને કારણે ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે
આ કારણે જ્યારે બોડીમાંથી ફેફસા કાઢ્યા ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવુ લાગ્યુ હતું. ફાઈબ્રોસિસ તો ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે પણ તે ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયુ હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલુ છે સાચુ કારણ તો રીસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.