કોરોનાને હરાવવા દાહોદના ડો. મોહિત દેસાઇના અમૂલ્ય સૂચનો
ફેસમાસ્ક, સામાજિક અંતર, હેન્ડ હાઇજીન, કફ એટીકેટસ સહિતની અનેક મહત્વની વાતોનું ચુસ્ત પાલન કરવું ખૂબ જરૂરી
નૂતન વર્ષે કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો નોંધાયો છે ત્યારે દાહોદના ડો. મોહિત દેસાઇએ નવા વર્ષની શુભેચ્છા સાથે કોરોના સામેની લડાઇમાં વધુ સજ્જ અને સતર્ક થઇને ઉતરવા માટે કેટલાંક મહત્વનાં સૂચનો કર્યા છે. તેમણે ફેસમાસ્ક, સામાજિક અંતર, હેન્ડ હાઇજીન, કફ એટીકેટસ જેવી વાતો અપનાવીને નૂતન વર્ષે કોરોનાને હાંકી કાઢવા માટે જણાવ્યું છે.
દાહોદમાં કોરોના સારવાર માટેના નોડેલ તબીબ ડો. મોહિત દેસાઇએ જણાવ્યું છે કે, કોરોનાને રોકવા અને અટકાવવા માટેના અસરકારક પગલાંની શરૂઆત પોતાનાથી જ કરવી પડશે. ઘરના વડિલો જેમને કોરોના સંક્રમણ લાગવાની સૌથી વધુ શકયતાઓ છે ત્યારે તેમનું નિયમિત ચેકઅપ કરાવવું જોઇએ. ઘરના વડીલોને જો કોરોનાના કોઇ પણ લક્ષણની ઉપસ્થિતિ જણાય તો તુરત ઝાયડસ હોસ્પીટલ, દાહોદ ખાતે અથવા નજીકના સરકારી દવાખાનામાં કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
ઘણી વખત બિમારીના લક્ષણો ન હોય છતાં પણ કોરોના લાગુ પડી ગયો હોય છે. માટે આ બિમારીને ઉગતી જ ડામવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે બીજી કોઇ પણ વ્યક્તિ સાથે ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવવું જોઇએ. સામાજિક અંતર કોરોનાને દૂર રાખવા ખૂબ જરૂરી છે. જાહેર સભાઓ કે જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઇએ. ઓછામાં આછા મહેમાન બોલાવવા અને કોઇના ઘરે પણ મહેમાન બનીને મુલાકાત માટે જવાનું ટાળવું જ જોઇએ. એકબીજાનો સંપર્ક જેટલો ઓછો રહેશે એટલો કોરોનાનો ચેપ લાગવાની શકયતા ઓછી રહેશે.
બીજી મહત્વની બાબત એ છે કે કોરોનાના વાયરસ મોંમાંથી ઉચ્છવાસ મારફતે બહાર આવે છે માટે ટ્રીપલ લેયર માસ્ક કે એન ૯૫ માસ્ક પહેરવું પણ યોગ્ય રહેશે અને જો એમ ન થઇ શકે તો ઘરે બનાવેલા કાપડના માસ્કનો ઉપયોગ તો અવશ્ય કરવો જ જોઇએ. માસ્ક પહેરતી વખતે ખાસ તો એ ધ્યાન રાખવું જોઇએ કે નાક અને મ્હોં બંને સારી રીતે ઢંકાવવા જોઇએ.
ત્રીજી મહત્વની બાબત છે કફ એટીકેટસ. એટલે કે જયારે પણ ખાંસી આવે ત્યારે સીધી હથેળી મ્હોં પાસે ન લાવતા હાથ કોણીથી વાળીને વળેલા હાથના કોણીવાળા ભાગ પાસેથી મ્હોં ઢાંકવાનો પ્રયાસ કરવો જોઇએ.
ચોથી મહત્વની વાત છે હેન્ડ હાઇજીન. એટલે કે જયારે પણ બહારથી આવો કે બહાર જાવો કે કંઇક કામ પુરૂ કરો કે શરૂ કરો ત્યારે વારંવાર હાથ ધોવાનું રાખો. હાથ કાં તો સેનેટાઇઝરથી બરાબર બે થી ત્રણ મિનિટ સુધી ઘસીને સાફ કરવું જોઇએ અને જો સાબુ વાપરો તો બે થી ત્રણ મિનિટ સુધી બરાબર ફીણ થાય એવા સાબુથી યોગ્ય રીતે હાથ ધોવા જોઇએ.
કોરોના સંદર્ભે ખૂબ જરૂરી છે કે જયારે કોઇ વ્યક્તિને લાગે કે તેને કોરોનાના લક્ષણ છે, શરદી-ખાંસી-તાવ જણાય તો તુરત જ પોતાને આઇસોલેટ કરી લેવા જોઇએ, અન્ય વ્યક્તિઓ સાથેનો સીધો સંપર્ક બંઘ કરી દેવો જોઇએ અને બને તેટલી જલ્દી કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. સરકાર દ્વારા આસપાસ સરકારી દવાખાનાઓમાં ટેસ્ટ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનો લાભ લેવો જોઇએ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ કરાવી શકાશે અથવા ૧૦૪ નંબરનો પણ સંપર્ક કરી શકાશે. જરૂર લાગે તો આરટીપીસીઆર ટેસ્ટીગ પણ કરી શકાશે.
કોઇ વ્યક્તિ જે કોરોના પોઝિટિવ આવ્યો હોય અને તેના સંપર્કમાં તમે આવ્યા હોય તો ખૂબ જરૂરી છે કે સાત દિવસ માટે તમે પોતાને આઇસોલેટ કરી લો. આ દિવસો દરમિયાન જો તમને કોઇ કોરોનાના લક્ષણ ન જણાય તો તમે આઇસોલેશનમાંથી બહાર આવી શકો છો. જો તમે આ સમય દરમિયાન આઇસોલેટ ન થાવ તો તમે તમારા જ નજીકના સ્નેહીજનોને ચેપ લગાડી શકો છો માટે આ વાત ખૂબ જરૂરી છે.
અત્યારે કોરોનાને ફેલતો અટકાવવો એ જ સૌથી અસરકારક પગલાં છે કારણ કે અત્યારે કોરોના માટે કોઇ ચોક્કસ દવા નથી. અત્યારે જે કોરોના સામેની દવાઓ છે એ કોરોનાથી થતી કોમ્પ્લીકેશન અટકાવવા માટેના છે. હજુ સુધી કોરોનાની કોઇ અસરકારક વેક્સિન પણ શોધાઇ નથી ત્યારે આપણી પાસે ફક્ત સાવચેતીના ચુસ્ત પગલા લેવા એ જ માર્ગ છે.